વ્યારાઃ ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત 700 મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર એટોમિક પાવર પ્રોજેકટ યુનિટ-3એ 30 ઓગસ્ટથી 700 મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત્ થયેલો છે. યુનિટ-3 એ 30મીએ ઓપરેશન શરૂ કર્યું હતું અને નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને આસપાસનાં રાજ્યોને વીજળી પૂરી પાડે છે. આ ભારતના સ્થાનિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણ છે.
કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન એ ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સ્થિત એક પરમાણુ પાવર પ્લાન્ટ છે અને ભારત સરકારના ઉપક્રમે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે. જે પરમાણુ ઊર્જા દ્વારા વીજ ઉત્પાદન માટે જવાબદાર છે. કાકરાપાર ગુજરાત સાઇટમાં ચાર દબાણયુક્ત ભારે પાણીના રિએક્ટરનો સમાવેશ થાય છે એટલે કે બે 220 મેગાવોટના કુલ 440 મેગાવોટ અને બે 700 મેગાવોટના 1,400 મેગાવોટ પાવર યુનિટ આવેલાં છે.
કેએપીપી-3 અને 4નો 700 મેગાવોટનો પરમાણુ પ્લાન્ટ ભારતનો સૌથી મોટો સ્વદેશી રીતે વિકસિત આધુનિક સુવિધાઓ અને વધુ સલામતી ધરાવતો પ્લાન્ટ છે. ભારતના ઊર્જાના ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે વીજળીની વધતી જતી માગને પહોંચી વળવામાં કેએપીએસ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને દેશના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરે છે. કાકરાપારના સાઇટ ડિરેક્ટર સુનિલકુમાર રોયે જણાવ્યું કે, અમને 700 મેગાવોટની સફળ પ્રાપ્તિની જાહેરાત કરતાં ગર્વ છે. કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે વીજઉત્પાદનની ક્ષમતાની આ સિદ્ધિ રાષ્ટ્રની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ભારતે વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું : વડાપ્રધાન
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતાં કહ્યું છે કે ભારતે વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યું. પ્રથમ સૌથી મોટો સ્વદેશી 700 મેગાવોટનો કાકરાપાર ન્યુક્લિયર પ્લાન્ટના ગુજરાતમાં પાવર પ્લાન્ટ યુનિટ-3એ સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી છે.

