થેલેસિમિયાથી મોત બાદ પુત્રની યાદમાં પિતાએ ઘરમાં જ બનાવી હોસ્પિટલ

Wednesday 06th September 2023 07:05 EDT
 
 

ગોધરાઃ મૂળ ગોધરાના હિરેનભાઈ દરજીના પુત્રનું લાંબા સમય સુધી થેલેસિમિયાની બીમારી સામે લડ્યા બાદ મૃત્યુ થયું. થેલિસિમિયાના દર્દીને લોહી ચઢાવવાના ખાનગી હોસ્પિટલમાં રૂ. 1200 જેટલી ફી વસૂલાય છે, તેમજ સરકારી હોસ્પિટલમાં વધુ રાહ જોવી પડતી હોવાથી દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હિરેનભાઈ દરજીએ પોતાના પુત્રને વેઠવી પડેલી તકલીફ અન્ય થેલેસિમિયાના દર્દીને વેઠવી ના પડે તે આશયથી એક નાની હોસ્પિટલ પોતાના ઘરમાં જ શરૂ કરી છે, જ્યાં નિઃશુલ્કપણે લોહી ચઢાવવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે.
હિરેનભાઈ દરજીએ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન બેંગલુરુ, ઇન્ડિયન રેડક્રોસ ગોધરા તથા સાર્થક સેવા ફાઉન્ડેશનના સહયોગથી પાંચ બેડની નાની હોસ્પિટલ પોતાના ઘરમાં શરૂ કરી છે. સમસ્ત પંચમહાલ જિલ્લામાં થેલિસિમિયા રોગના 50થી વધુ દર્દી છે, તેઓને નિઃશુલ્ક લોહીની બોટલ ચઢાવી આપવા માટે ડોક્ટર તથા નર્સ પણ રાખવામાં આવ્યાં છે. એક દિવસમાં લગભગ પાંચ દર્દીઓઆ નાની હોસ્પિટલમાં આવીને સારવાર લઈ રહ્યા છે. ગોધરાની રેડક્રોસ દ્વારા વિનામૂલ્યે લોહીની બોટલ આપવામાં આવે છે. એટલું જ નહીં આ દર્દીના લોહીના રિપોર્ટ પણ નિઃશુલ્ક બેંગલુરુ મોકલાય છે.
પોતાનો પુત્ર થેલિસિમિયાની બીમારીથી પીડાયો હોવાથી અન્ય થેલિસિમિયાના દર્દીને સારવાર માટે જ્યાં ત્યાં ભટકવું ના પડે તેવા શુભાશયથી શરૂ કરવામાં આવેલી આ હોસ્પિટલમાં પંચમહાલ જિલ્લા અને મહિસાગર જિલ્લાના થેલિસિમિયાના દર્દીને લોહી ચઢાવવામાં આવે છે.
દર્દીને લોહી તો રેડક્રોસ સોસાયટી નિઃશુલ્ક આપે છે, પરંતુ હિરેનભાઈ પોતે પણ વિવિધ જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કરી લોહીનાં યુનિટ એકત્રિત કરીને રેડક્રોસને આપે છે. એક દિવસમાં લગભગ પાંચ દર્દી આવે છે. રેડક્રોસ સંસ્થા સહિત ખાનગી તબીબ અને લેબોરેટરીનો પણ સારો સહયોગ મળે છે.


comments powered by Disqus