જૂનાગઢઃ જૈન સંપ્રદાયના ધર્મગુરુ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ ગિરનાર સાધુ મંડળના અગ્રણી મહંત ઇન્દ્રભારતીજી, ધારાસભ્ય, મેયર, જૈન સમાજના અગ્રણીઓ તથા હજારો શ્રાવકની ઉપસ્થિતિમાં મહાતપસ્વી વિશુદ્ધિજીને સાકરનાં પાણીથી પારણાં કરાવાયાં હતાં.
સ્થાનકવાસી જૈનસમાજના 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી નાની વયનાં મહાસતીજી વિશુદ્ધિજીએ 18 માસ પહેલાં નમ્રમુનિ મહારાજના મુખેથી દીક્ષા અંગિકાર કરી હતી. છેલ્લા 11 માસથી ચાલી રહેલા રવિ ઉપવારા સાથેની ઉગ્રાતિ ઉગ્ર મુક્તાવલી મહાત્યના પરિણામે મહાસતીજીનું વજન માત્ર 35 કિલો થઈ ગયું હતું.
ઉગ્રાતિ ઉગ્ર મુક્તાવલી મહાતપના 285 ઉપવાસ પૂર્ણ થતાં ભવનાથ તળેટીના પારસધામમાં તપોત્સવનું આયોજન કરાયું હતું. મહાતપસ્વી વિશુદ્ધિજીને અનુમોદન કરવા ગુજરાત, મહારાષ્ટ્રમાંથી હજારો શ્રાવકો ઊમટ્યા હતા.
પારસધામમાં સવારથી પારણાં ઉત્સવનો ધમધમાટ શરૂ થયો હતો અને બપોરે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ, મહંત ઇન્દ્રભારતીજી તથા ગોંડલના સંતો, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, જૈન અગ્રણીઓ તથા નટુભાઈ ચોકસીની ઉપસ્થિતિમાં સાકરનાં પાણીથી પારણાં કરાયાં હતાં.
ઉપરાંત ઉપસ્થિત અન્ય સમાજના આગેવાનોએ મહાસતીજીનું સન્માન કર્યું હતું. શ્રાવકોને પારણાં માટે ડ્રો યોજાયો હતો. તેમાં વિજેતાઓએ પારણાં કરાવ્યાં હતાં. આ તપોત્સવમાં તમામ સમાજના હજારો લોકોએ જોડાઈ અનુમોદના કરી હતી.
ગિરનારના ખોળામાં મુક્તાવલી મહાતપનાં પારણાં ઉત્સવથી આ તપોભૂમિમાં અનોખો ઇતિહાસ પણ આલેખાયો છે, કારણ કે ગિરનારની ભૂમિ પર મુક્તાવલી મહાતપ અને તપોત્સવ પ્રથમવાર યોજાયો હતો.

