મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

Wednesday 06th September 2023 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો નિર્ણય લઈ કોંગ્રેસ સહિત તમામ પક્ષોને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર મળશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન 17મી લોકસભાનું 13મું અને રાજ્યસભાનું 261મું સત્ર મળશે, જેમાં 5 બેઠકો થશે. માનવામાં આવે છે કે સત્ર જૂના સંસદથી શરૂ થશે અને નવામાં સમાપ્ત થશે.
‘એક દેશ – એક ચૂંટણી’ માટે કમિટીનું ગઠન
કેન્દ્ર સરકારે એક દેશ - એક ચૂંટણી પર એક કમિટીની રચના કરી છે અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, તેમાં ‘એક દેશ - એક ચૂંટણી’ પર બિલ રજૂ થઈ શકે છે. સમિતિમાં વધુ 7 સભ્યોનાં નામ જાહેર કરાયાં છે. જેમાં અમિત શાહ અને અધીર રંજન ચૌધરીને પણ સ્થાન અપાયું છે. સમિતિમાં કેન્દ્રનાં કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ ખાસ આમંત્રિત રહેશે. કાયદા વિભાગનાં સચિવ નિતેન ચંદ્રા સમિતિના સચિવ રહેશે.
મહિલા આરક્ષણનું બિલ રજૂ થઈ શકે
હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જેમાં અન્ય બિલોની સાથે મહિલા આરક્ષણ બિલ પણ રજૂ કરવાની સંભાવના જોવાઈ રહી છે. આ અંગે એક ચોક્કસ કારણ પણ છે જેથી તેની ચર્ચા કરવી જરૂરી બને છે, કારણ કે 12 સપ્ટેમ્બરે પ્રથમ વખત મુકાયેલા મહિલા આરક્ષણ બિલને 27 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. હાલની સ્થિતિમાં 17મી લોકસભામાં મહિલા સાંસદોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા 78 એટલે કે 14 ટકા થઈ છે.
ઈન્ડિયાનું નામ ભારત કરવાની સલાહ
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઇન્ડિયાના બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની સલાહ આપી છે અને તેની ટેવ પાડવા માટે તેમણે લોકોને આગ્રહ કર્યો હતો. ભાગવતે કહ્યું કે ભારત નામ પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે અને ભવિષ્યમાં પણ ચાલતું રહેશે. ઉલ્લેખનીય છે કે ભાગવતે આ નિવેદન એવા સમયે કર્યું છે, જ્યારે વિપક્ષે ઇન્ડિયા નામનું એક રાષ્ટ્રીય ગઠબંધન બનાવ્યું છે. સંસદના વિશેષ સત્રમાં આ અંગે પણ કોઈ મહત્ત્વનો મોટો નિર્ણય આવી શકે છે. આ બાબતે વિપક્ષે કટાક્ષ કરતાં કહ્યું કે, ભાજપ ઇન્ડિયાથી ગભરાઈ ગયું છે.


comments powered by Disqus