બોટાદઃ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે સહજાનંદ સ્વામી સાથેના હનુમાનજીનાં ભીંતચિત્રોને લઈ વિવાદ બાદ મંગળવારે વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યાં. સનાતન ધર્મ અને હિન્દુ ધાર્મિક નેતાઓના વિરોધ બાદ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં આવેલા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મંગળવારે ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં ભગવાન હનુમાનને દર્શાવતાં ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યાં હતાં. મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે, આ કાર્યવાહી હિન્દુ ધર્મ આચાર્ય સભાના નેજા હેઠળ આયોજિત મીટિંગ બાદ થઈ છે, જે બાદ ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યાં છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના મુખ્ય પૂજારી વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, સોમવારની બેઠકમાં નક્કી થયા મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં વડતાલ સ્વામિનારાયણ જૂથ દ્વારા બોટાદમાં ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેની નીચે આ પ્રકારનાં ભીંતચિત્રો લગાવવામાં આવ્યાં હતાં. સોમવારે યોજાયેલી બેઠકમાં વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, વડતાલ સ્વામિનારાયણ જૂથના વડા રાકેશપ્રસાદ સ્વામીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવિધ જૂથો ‘વૈદિક સનાતન ધર્મ’નો ભાગ છે.
આ વિવાદ કેમ થયો?
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં સાળંગપુરના રાજાની વિરાટ પ્રતિમાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન થયું હતું, જેના પેડસ્ટલની દીવાલ પર આ ચિત્રો અંકિત હતાં. જો કે વિવાદ લગભગ 15 દિવસ પહેલાં શરૂ થયો હતો, જ્યારે કેટલાક ભક્તોએ ભીંતચિત્રો સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ભીંતચિત્રો ભગવાન હનુમાનનો અનાદર કરે છે. એક ભીંતચિત્રમાં ભગવાન હનુમાનને ભગવાન સ્વામિનારાયણનાં ચરણોમાં બેઠેલા દર્શાવાયા છે, જ્યારે બીજામાં હનુમાનજીને ભગવાન સ્વામિનારાયણને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે. જ્યારથી ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી, ત્યારથી હિન્દુ ધાર્મિક નેતાઓ તેને અલગ અલગ સ્ટેજ પરથી હટાવવાની માગ કરી રહ્યા હતા. ભીંતચિત્રો હટાવવાની માગણીએ શનિવારે ભયંકર વળાંક લીધો, જ્યારે હર્ષદ ગઢવી નામની વ્યક્તિ મંદિરની સુરક્ષા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે મૂર્તિ સુધી જવામાં સફળ રહી અને મંચ પર પહોંચ્યો અને કેટલાંક ભીંતચિત્રો પર શાહીથી કાળા ડાઘા કર્યા અને તેમાં તોડફોડ કરી હતી.
ભક્તએ કરી હતી તોડફોડ
પોલીસે બાદમાં અમરેલી જિલ્લાના આંબરડી ગામના વતની ગઢવી અને અન્ય બે વ્યક્તિ જેસિંગ ઉર્ફે જગો ભરવાડ અને બળદેવ ભરવાડની ધરપકડ કરી હતી. જેમને બુધવારે બરવાળા કોર્ટે જાતમુચરકા પર જામીન આપ્યા હતા. આરોપીના વકીલે દલીલ કરી હતી કે, તેમની સામે નોંધાયેલ ગુનો જામીનપાત્ર છે અને તેનો હેતુ કોઈની દુશ્મનાવટ, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો અને ન તો તે ધર્મ આધારિત હતો.
નૌતમ સ્વામીની રાતોરાત હકાલપટ્ટી
સાળંગપુરમાં હનુમાનજી મહારાજને નીલકંઠવર્ણીના દાસ બતાવીને અપમાન કરવા મુદ્દે લોકોમાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે. તાત્કાલિક ભીંતચિત્રો હટાવી દેવાના બદલે નૌતમ સ્વામીએ જે નિવેદન આપ્યું હતું તેનાથી સંતો- મહંતો ભડક્યા હતા. નૌતમ સ્વામીના વિવાદિત નિવેદન અને સાળંગપુર વિવાદના પગલે લખનઉમાં મળેલી બેઠકમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત એકમના અધ્યક્ષપદેથી નૌતમ સ્વામીને કાઢી મૂકવામાં આવ્યા છે. નૌતમ સ્વામી વિવાદ થયા બાદ અમેરિકા ચાલ્યા ગયા હોવાનું કહેવાય છે. આ મુદ્દે આગામી સમયમાં સાધુઓની લીંબડી ખાતે મોટી બેઠક યોજાવા જઈ રહી છે. નૌતમ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ શાખાના છે. હનુમાનજી મહારાજને 200 વર્ષ પહેલાં બનેલા એક સંત સહજાનંદ સ્વામીના ભક્ત તરીકે દર્શાવતાં વિવાદાસ્પદ ભીંતચિત્રો પરના અડગ વલણને કારણે ગુજરાતમાં સાધુ-સંતોમાં ભારે ગુસ્સો ફેલાયો છે.
હનુમાનજી માત્ર શ્રીરામના દાસ : સ્વામી સચ્ચિદાનંદ
બજરંગબલી આપણા બધાના આરાધ્ય દેવ છે. તે માત્ર ને માત્ર શ્રી રામના જ દાસ છે, બીજા કોઇના દાસ નથી. હાલમાં જે ચાલી રહ્યું છે તે બહુ ખોટું થયું છે. આવાં ભીંતચિત્રો ન કંડારવાં જોઈએ તેમ દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજીએ જણાવ્યું હતું. ગુજરાત સહિત દેશભરના સંતો વિરોધ કરી રહ્યા . આ કોઈ પહેલી વાર નથી બન્યું, આવું વારંવાર થાય છે અને હિન્દુ સમાજની ઉદારતાનો ગેરલાભ લેવાય છે. માટે તમામ સંપ્રદાયોના સંતોએ ભેગા મળી વિરોધ કરવો જોઈએ. હિન્દુ સમાજને એકતાની બહુ જરૂર છે એવા સમયમાં પરસ્પરના વિખવાદો ઊભા કરવા મૂર્ખતા જ કહેવાય.
વડતાલમાં દર્શનાર્થીઓએ કહ્યું, ‘આ ખોટું થયું’
વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે આ પ્રકારના વિવાદથી હિન્દુ ધર્મને ખતરો છે. સનાતન વિરોધી તાકાત આનો લાભ લઈ રહી છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અર્જુનનો રથ હંકાર્યો હતો અને ખુદ હનુમાનજી રથ પર સવાર થયા હતા. તો શું રથ હંકારનાર ભગવાન નાના થઈ ગયા?
સંતોએ 13 જેટલા ઠરાવ પસાર કર્યા
સાળંગપુર વિવાદ મુદ્દે રવિવારે સાણંદના લંબે નારાયણ આશ્રમ ખાતે ડોક્ટર જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષસ્થાને સનાતન ધર્મના સાધુ-સંતોની બેઠક મળી હતી. જેમાં સનાતન ધર્મના મોટાભાગના સાધુ સંતો હાજર રહ્યા હતા. બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર પુસ્તકથી લઈને વિવિધ જગ્યાએ હિન્દુ દેવી- દેવતાઓનું અપમાન કરાય છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બધા સંતોએ મળીને 13 જેટલા ઠરાવો પસાર કર્યા હતા.

