રાજપરિવાર દ્વારા કચ્છ માટે રૂ. 6 કરોડના ફંડ સાથે 3 ટ્રસ્ટની રચના

Wednesday 29th May 2024 06:17 EDT
 
 

ભુજ: કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાના જન્મદિવસની ઉજવણી રાજવી પરિવાર દ્વારા દાન-મેળાના આયોજન દ્વારા અનોખી રીતે કરાઈ. મહારાણી પ્રીતિદેવીના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજવી પરિવાર દ્વારા સમાજસેવાના ઉદ્દેશ સાથેનાં ત્રણ ટ્રસ્ટની રચનાની જાહેરાત કરાઈ. રૂ. 6 કરોડના ભંડોળ સાથેનાં આ ત્રણ ટ્રસ્ટ ઉપરાંત રાજવી પરિવારે વિવિધ સંસ્થાઓને આર્થિક સહયોગ આપ્યો હતો.
રાજવી પરિવાર વતી મહારાણીના આર્થિક સલાહકાર રવીન્દ્રભાઈ સંઘવીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં રાજવી પરિવારે કચ્છમાં અંદાજે રૂ. 12 કરોડનું દાન અલગ-અલગ સંસ્થાઓ અને વ્યક્તિવિશેષોને આપ્યું છે. રાજવી પરિવાર દ્વારા મહારાવ પ્રાગમલજી ત્રીજાના નામ સાથે સાંકળીને શિક્ષણ, મેડિકલ અને કરુણાના ઉદ્દેશ સાથેનાં ત્રણ ટ્રસ્ટ રચવામાં આવ્યાં છે. દરેક ટ્રસ્ટને બે-બે કરોડના આરંભિક ભંડોળની ફાળવણી પણ રાજપરિવારે કરી છે. આ ટ્રસ્ટોમાં મહારાણી પ્રીતિદેવી ઉપરાંત રવીન્દ્રભાઈ સંઘવી, કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા, દેવપર ઠાકોર, કૃતાર્થાસિંહ જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા અને અન્ય સહયોગીઓ ટ્રસ્ટી રહેશે.
આર્થિક સલાહકાર રવીન્દ્રભાઈએ આપેલી માહિતી મુજબ 3 ટ્રસ્ટની રચના ઉપરાંત પરિવારે માતાના મઢમાં ધર્મશાળા માટે ટ્રસ્ટને રૂ. 51 લાખ, ચાડવા રખાલના મહામાયા મંદિર સંકુલની જાળવણી ભંડોળ પેટે રૂ. 1.51 કરોડ, અજરામર ટ્રસ્ટને ગૌસેવા સંકુલ માટે રૂ. 51 લાખ, આશાપુરા સ્કૂલને નવી પ્રયોગશાળા માટે રૂ. 1 કરોડ, અને અલગ-અલગ સંસ્થાઓને અંદાજે બે કરોડનું અન્ય દાન આ અગાઉ અપાઈ ચૂક્યું છે.


comments powered by Disqus