21 બેન્કના સોફ્ટવેર પર સાઇબર એટેકઃ રૂ. 700 કરોડનાં ટ્રાન્ઝેક્શન અટક્યાં

Wednesday 07th August 2024 06:12 EDT
 
 

બારડોલીઃ સુરત શહેર જિલ્લાની સહકારી બેન્કો સી-ઈડીજી કંપની સાથે જોડાયેલી બ્રોન્ટા ટેક્નોલોજીની ઓસ્ટા એપ્લિકેશન પર રવિવારે સાંજે થયેલા સાઇબર એટેકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન સતત ત્રીજા દિવસે બંધ રહ્યું હતું. આરબીઆઇ અને એનપીસીઆઇએ થર્ડ પાર્ટી ફોરેન્સિક ઓડિટ કરવાનું જણાવતાં ગુજરાતમાં 21થી વધુ સહકારી બેન્કોના રૂ. 700 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન બંધ રહેતાં આર્થિક વ્યવહારો અટકી ગયા હતા.
સુરત શહેર અને જિલ્લામાં આવેલી સહકારી બેન્કો સી-ઈડીજી કંપની સાથે જોડાયેલી બ્રોન્ટા ટેક્નોલોજીની ઓસ્ટા એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ગત રવિવારે સાંજે 7 વાગ્યે ઓસ્ટા નામની એપ્લિકેશનના સોફ્ટવેર પર રેન્સમવેર વાઇરસનો એટેક થયો હતો. જેની જાણ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) અને એનપીસીઆઇ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ને થતાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેન્કોના તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનો અટકાવી દેવામાં આવ્યાં હતાં. ગુજરાતની 21 બેન્કો આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી હોઈ રૂ. 700 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન અટકી ગયાં હતાં. જેમાં આરટીજીએસ, યુપીઆઇ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને આઇએમપીએસથી થતાં ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થાય છે.


comments powered by Disqus