અંબાજીઃ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે અંબાજી મંદિરના સુવર્ણ શિખર પર ધ્વજારોહણનું ખાસ મહત્ત્વ છે, જેને લઈ સોમનાથ, દ્વારકા બાદ અંબાજીમાં પણ ધ્વજારોહણની સુવિધા શરૂ કરાઈ છે. એમાં માઇભક્તોને શિખર પર ચડાવવા માટે ધજા અંબાજી મંદિરે જ શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન સાથે મળી રહેશે.
5 મીટરથી લઈ 11 મીટરની ધજા
ધજા ભક્તોને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે 4:30 બાદ ધજારોહણ કોઈપણ ભક્ત કરી શકશે નહીં. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5 મીટર, 7 મીટર, 9 મીટર અને 11 મીટરની ધજાના ભાવ નક્કી કરાયા છે, જેમાં અનુક્રમે 2100, 2500, 3100 અને 5100 ભાવ નક્કી કરાયા છે, જેની પૂજા પણ ટ્રસ્ટના બ્રાહ્મણથી જ કરાવી પડશે.
હવે ધજાનો વિવાદ
એક સ્થાનિક વેપારી પાસેથી મેળવેલા ભાવ મુજબ 5 મીટરની ધજાના ભાવ રૂ. 209, 7 મીટરના રૂ. 284, 9 મીટરના રૂ. 370 અને 11 મીટરના ભાવ રૂ. 490 છે. મોહનથાળ બંધ કરી ચિક્કીનો પ્રસાદ આપવાના વિવાદ બાદ બહારથી લવાતી ધજા બંધ કરાવીને મંદિરમાંથી જ ખરીદવાનો નિર્ણય લેવાના નિર્ણયથી પણ વિવાદ વધેે તો નવાઈ નહીં.

