અમદાવાદઃ વ્યસ્તતાની દૃષ્ટિએ દેશના સાતમા ક્રમના અમદાવાદ ઍરપોર્ટ પર 2023માં ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યા 99.08 લાખે પહોંચતાં ગોવાનું દાબોલિન ઍરપોર્ટ પાછળ પડ્યું છે. અમદાવાદથી દૈનિક વધી રહેલા ટ્રાફિકને પહોંચી વળવા ઇન્ડિગો દિવાળી સુધીમાં દૈનિક ડિપાર્ચર 72થી વધારી 85 કરી નવો રેકોર્ડ હાંસલ કરશે. એરપોર્ટ સૂત્રોએ જણાવ્યું કે જો સ્પેસ સહિત, પાર્કિંગ તેમજ અન્ય સુવિધા મળશે તો માર્ચ સુધીમાં 100 ડિપાર્ચર કરવાનો ટાર્ગેટ હોવાથી પેસેન્જરને મુંબઈ, દિલ્હી, કોલકત્તા, બેંગલુરુ, હૈદરાબાદ જેવાં વ્યસ્ત રૂટ ૫૨ વધુ ફ્લાઇટોનો વિકલ્પ મળી રહેશે. ઍરપોર્ટ પર ડોમેસ્ટિક પેસેન્જરની પ્રતિદિન અવરજવર 26 હજારથી વધી 30 હજારને પાર કરશે.
આ રૂટ પર નવી ફલાઇટો આવશે
અમદાવાદથી ઇન્ડિગો સિંગાપોર, ઇસ્તંબુલની નવી બે ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરવાનો પ્લાન કરી રહી છે જ્યારે ડોમેસ્ટિકમાં મુંબઈ. દિલ્હી, હૈદરાબાદ, બેંગલૂરુ, કોલકાતા રૂટ પર નવી ફલાઇટો શરૂ કરશે. દિવાળીમાં સ્પાઈસજેટ પણ ચેન્નાઈ અને બે દિલ્હીની અને આકાશા કોચી, શ્રીનગર, બાગડોગરાની ફલાઇટ શરૂ કરશે.
બેંગકોક-કુઆલાલુમ્પુર ફ્લાઇટથી 23 ટકા મુસાફર વધ્યા
અમદાવાદથી એર એશિયાની થાઈલેન્ડના ડોનમુઆંગ, થાઈ એરની બેંગકોક, વિયત જેટની હનોઇ, મલેશિયન એરની કુઆલાલમ્પુરની ફલાઇટ શરૂ થતાં ટુરિસ્ટોનો ટ્રાફિક વધ્યો છે. વાઇબ્રન્ટ દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં વધારો થયો હતો. ચાલુ વર્ષે વેકેશનમાં એપ્રિલથી જૂન-24 દરમિયાન 5,33,067 પેસેન્જરોની અવરજવર થઈ છે. જે ગતવર્ષે 432,762 નોંધાયા હતા આમ સીધો એક લાખ પેસેન્જરો વધતા ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકમાં સીધો 23 ટકાનો વધારો થયો છે. આગામી સમયમાં દોઢ કરોડ પેસેન્જરોને પહોંચી વળવા નવું ટર્મિનલ બનાવવાની જરૂરિયાત ઊભી થશે.

