ગુજરાતમાં સિઝનનો 67 ટકાથી વધુ વરસાદ

Wednesday 07th August 2024 06:13 EDT
 
 

અમદાવાદઃ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદ પડ્યો છે, જેનાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 67 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે કચ્છ ઝોનમાં સૌથી વધુ 86 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 81 ટકાથી વધુ તો સૌરાષ્ટ્ર ઝોનમાં 77 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 50 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 84 ટકા વરસાદ નોંધાયો છે.
207 પૈકી 47 જળાશયમાં 100 ટકા પાણી
ગુજરાતના 207 જળાશયોમાં અત્યાર સુધી 59.36 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. જે અંતર્ગત 47 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્રના 1741 પૈકી 34, દક્ષિણ ગુજરાતના 341 પૈકી 7, કચ્છમાં 20 પૈકી 6 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના એક ડેમ પણ 100 ટકા જળસપાટીએ પહોંચી શક્યો નથી. દક્ષિણ ગુજરાતનાં જળાશયોમાં સૌથી વધુ 70.32 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે.
ઉત્તર-મધ્ય ગુજરાતમાં સર્જાઈ શકે સમસ્યા
ચાલુ વરસાદી સિઝન દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે, જેના પગલે આ બંને ઝોનમાં આવતાં સરોવરમાં જોઈતું પાણી ભરાયું નથી. ઉત્તર ગુજરાતનાં જળશયોમાં સૌથી ઓછું 28.4 ટકા જ પાણી ભરાયું છે. આ જોતાં આવનારા સમયમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને સિંચાઈનાં પાણીની સમસ્યા નડી શકે છે.
દક્ષિણ ગુજરાત પાણીપાણી
4 ઓગસ્ટે રવિવારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જેમાં નવસારીના ખેરગામમાં એકસાથે 9 ઇંચ, ચીખલી અને વાંસદામાં 6-6 ઇંચ અને વલસાડના ધરમપુર, વલસાડમાં 7-7 ઇંચ, કપરાડામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. તો ડાંગ-આહવા તાલુકામાં પણ 6 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયું હતું.
ત્રણ જિલ્લાના લોકોને સુરક્ષિત ખસેડાયા
નવસારી પાસે પૂર્ણા અને અંબિકા નદી, વલસાડ પાસે કાવેરી અને ઔરંગા તેમજ વાપી પાસે દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્રણ જિલ્લામાંથી 2 હજાર ઉપરાંત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા હતા. ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં શાળા અને કોલેજોમાં સોમવારે રજા જાહેર કરવી પડી હતી. નવસારી જિલ્લામાં 64 રસ્તા પર પાણી ભરાતાં વાહનવ્યવહાર બંધ થયો હતો.
દક્ષિણની મોટાભાગની નદીઓ ભયજનક સપાટીએ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓ ભયજનક સપાટીએ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડતાં નદીઓ બે કાંઠે વહેવા લાગતા 19 માર્ગો બંધ થયા હતા. શનિવારે રાતથી મેઘરાજાએ ધડબડાટી બોલાવતાં અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સિઝનમાં પ્રથમવાર ગિરા ધોધ સંપૂર્ણ ખીલી ઊઠ્યો હતો. પૂરનું પાણી કોઝ-વે પર ચડી જતાં અનેક ગામ સંપર્કવિહોણાં થયાં હતાં.


comments powered by Disqus