અમદાવાદઃ થોડા સમય પહેલાં ગુજરાત સરકારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ માટે પ્રોહિબિશનના નિયમો બદલ્યા હતા. ત્યારબાદ ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ્સ અને ક્લબમાં બેસીને દારૂ પીવા માટે છૂટ અપાઈ છે. હવે આ જ લાઇન પર સુરતના ડાયમંડ બુર્સ માટે પણ પ્રોહિબિશનના નિયમો હળવા કરવા માટે રાજ્ય સરકાર વિચારી રહી છે. વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનવાની ભારતની મહત્ત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા ડાયમન્ડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીને બિઝનેસ આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે પ્રતિબંધિત કાયદાઓને હળવી કરવાની યોજના ધરાવે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સમાં વૈશ્વિક સ્તરનો બિઝનેસ થાય છે. તેના માટે અહીં ઘણા વિદેશી લોકો આવતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને બુર્સ તરફથી અહી ગિફ્ટ સિટીની જેમ દારૂના વેચાણ સંબંધિત નિયમો હળવા કરવા રજૂઆત કરાઈ હતી. દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ ગૃહવિભાગ અને અન્ય એજન્સી દારૂના વપરાશ અને વેચાણને નિયંત્રિત કરતી માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધું જ યોજના પ્રમાણે ચાલે છે, તો જાહેરાત બે મહિનામાં થઈ શકે છે. હીરા તેમજ તેને સંલગ્ન અન્ય વેપારને વિકસાવવા સુરતમાં 2000 એકર વિસ્તારમાં ડાયમંડ બુર્સ બનાવાયું છે. બુર્સમાં લગભગ 4500 જેટલી ઓફિસ આવેલી છે અને તેનું ઉદઘાટન ડિસેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું.

