ચિત્તા બાદ હવે બન્નીમાં ચિત્તલનું સંવર્ધન કેન્દ્ર ઊભું કરાશે

Wednesday 07th August 2024 06:12 EDT
 
 

ભુજઃ કચ્છના ઇતિહાસમાં પહેલી વાર બન્નીના ઘાસીયા મેદાનમાં ચિત્તલને લાવવામાં આવશે. એટલે કે સ્પોટેડ ડિયર નામથી ઓળખાતું ચિત્તલ હરણ હવે બન્નીમાં ઊછળકૂદ કરતું જોઈ શકાશે. રામપરા વન્યજીવ અભયારણ્ય મોરબીથી 30 ચિત્તલ ખાસ વાહનથી ટ્રાન્સલોકેટ કરી બન્નીમાં લવાશે. બન્નીનું ઘાસિયું મેદાન એશિયામાં ટોચનું સ્થાન ધરાવે છે, બીજી તરફ ચિત્તા પ્રોજેક્ટને લઈને દેશની નજર કુનો બાદ કચ્છમાં અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.
કચ્છના મુખ્ય વનસંરક્ષક ડો. સંદીપકુમારે જણાવ્યું કે, ચિત્તલને રામપરાથી બન્ની લવાશે. આ ટ્રાન્સલોકેશન માટે સાસણ ગીરના ખાસ વાહનનો ઉપયોગ કરાશે. ગાંધીનગરસ્થિત ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, હાલના તબક્કે 30 જેટલાં ચિત્તલ કચ્છ ટ્રાન્સલોકેટ કરાશે. શક્યત: ચોમાસા બાદ આ ગતિવિધિ પર ભાર મુકાશે.
ચિત્તલનું પહેલીવાર નવું ઘર બનશે ઘાસિયું મેદાન
ચિત્તલ જંગલમાં રહેવા ટેવાયેલાં છે, જો કે કચ્છમાં અને તેમાં પણ ખાસ બન્નીમાં લાવવા વનવિભાગે હાલ તનતોડ મહેનત કરી છે. 100 હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ ઊભી કરી તેના માટે બ્રીડિંગ સેન્ટર બનાવવા તજવીજ ચાલી રહી છે. કચ્છમાં તેને નવું ન લાગે માટે ઘાસના પ્લોટમાં જ મુકાશે. શેડ, પાણીનાં પોઇન્ટ અને ખોરાક સાથે આસપાસની અનુકૂળ સ્થિતિ ઊભી કરાઈ રહી છે.


comments powered by Disqus