અમદાવાદઃ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ કરનારા ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી અને તેના પિતા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ બાવજી સોલંકી અને તેના દીકરા દેવ રાજુ સોલંકી તેમજ રાજુ સોલંકીના ભાઈ જયેશ બાવજી સોલંકી તેમજ યોગેશ કાળા બગડા નામના 5 શખ્સ સામે પોલીસે ગુજસીટોક અન્વયે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. અટકાયત દરમિયાન પોલીસ મથક ખાતે રાજુ સોલંકીએ કહ્યું કે, તેઓ ગોંડલના પીડિતો છે અને તેમણે ગોંડલના જયરાજસિંહ સામે લડાઈ શરૂ કરી છે, જેના પરિણામે તેના પુત્ર ગણેશ જાડેજાના કેસમાં સમાધાન કરી લેવા મને દરેક પ્રકારે દબાણ કરાઈ રહ્યું હતું. પહેલા પૈસાની ઓફર કરેલી, તેમાં પણ અમે સમાધાનની ના પાડતાં પછી મારા પર પાસાની કાર્યવાહી કરવા ધમકી આપી હતી, છતાં સમાધાન ના કરતાં મને અને મારા દીકરાઓને ખોટી રીતે પકડીને અમારા પર કેસ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ ક્રાઇમબ્રાન્ચના પીઆઇ જે.જે. પટેલે ફરિયાદી બનીને પાંચ ઇસમો સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભયનું વાતાવરણ ઊભું કર્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં સૌથી વધુ રાજુ સોલંકી સામે 10, જયેશ સોલંકી સામે 9, દેવ સોલંકી સામે 2, યોગેશ બગડા સામે 3 અને સંજય સોલંકી સામે 6 ગુના છેલ્લાં 10 વર્ષમાં પોલીસ દફ્તરે નોધાયેલા છે.

