અમદાવાદઃ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનું નવુ પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર' ભેટ આપ્યંુ હતું. નથવાણીએ તેમનું આ પુસ્તક વડાપ્રધાનને પ્રોજેક્ટ લાયન અને લાયન એટ 2047: અમૃતકાળની પરિકલ્પનાના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. પુસ્તક અર્પણ કર્યા બાદ નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં વડાપ્રધાને ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન કરવા માટેની તાતી જરૂરિયાત હોવાનું પણ કહ્યું હતું. વડાપ્રધાને આ કોફી ટેબલ બુક બહાર પાડવા માટે નથવાણીની પ્રતિબદ્ધતાને બિરદાવતાં જણાવ્યું હતું કે, તેમણે વ્યાવસાયિક અને જાહેર જીવનની જવાબદારીઓને સંતુલિત કરીને કોલ ઓફ ધ ગીર (ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.
પરિમલ નથવાણીએ ગીરમાં રેલવે ટ્રેક પર આવી જતાં સિંહનાં મોત અટકાવવા ખાસ પ્લાનિંગ પણ કર્યું છે, જે અંતર્ગત ગીરમાંથી નીકળતી રેલવેલાઇન પર બાઉન્ડ્રી કરવા પણ મંજૂરી માગી છે. તેમણે સિંહોને વેક્સિન અંગે સમર્થન આપ્યું છે. નથવાણીની કોફી ટેબલ બુક ‘કોલ ઓફ ધ ગીર’ એ કુદરતપ્રેમીઓ અને જીવસૃષ્ટિના ચાહકો માટે અનોખું અને અતુલ્ય સર્જન છે.

