ઊનાઃ ચીન કોસ્ટગાર્ડ દ્વારા પ્રતિબંધિત માંસ સાથે ઝડપી લેવાયેલા દીવના શિપમેન મિતેષ સોલંકીને ચીનમાં 4 વર્ષની સજા થઈ હતી, જ્યાંથી મુક્ત થઈ તે દીવ પરત ફર્યો છે. ચીન કોસ્ટગાર્ડ દ્વારા મિતેષને 1 ઓગસ્ટ 2020ના દિવસે ઝડપી લેવામાં આવ્યો હતો, જે ચીનમાં લાંબી કાયદાકીય લડત બાદ છૂટીને માદરે વતન પહોંચ્યો છે. 4 વર્ષ પછી પુત્ર હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
કોરોના કાળમાં વિયેતનામની શિપિંગ કંપનીમાં નોકરીમાં લાગેલા મિતેષ સોલંકીને કંપનીએ વિયેતનામથી ચીન તરફ પ્રતિબંધિત માંસ સાથે જે શિપમાં મોકલ્યા હતા, તેને 5 ઓફિસર સહિત અન્ય 16 ખલાસીને ચીન કોસ્ટગાર્ડે અટક કર્યા હતા. જેમાંથી 16 ખલાસીને ડિસેમ્બર 2020માં મુક્ત કરવામાં આવ્યા હતા અને શિપના 5 ઓફિસરને જેલમાં રાખેલ હતા. જો કે ચીન સરકાર દ્વારા સારી રીતે સારસંભાળ લેવાયેલ તે બાબતે વિયેતનામ તેમજ ચીન ભારતીય દૂતાવાસ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
બીજી બાજુ પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા. મિતેષની અટકાયત સમયે તેની પત્ની પણ પ્રેગ્નન્ટ હતી. ત્રણ વર્ષ સુધી મિતેષને પરિવારના કોઈ સભ્ય સાથે વાતચીત પણ કરવા દેવાઈ નહોતી. બાદમાં ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય એનજીઓની મદદથી કાયદાકીય લડત લડી હતી. ચાર વર્ષ બાદ મિતેષ સોલંકી હેમખેમ પોતાના વતન દીવ પહોંચ્યો હતો અને ચાર વર્ષ પછી પુત્રીનું મોં પણ જોવા મળ્યું હતું.
દીવનો શિપમેન યુવક મિતેષ જ્યારે પકડાયો ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. બાદમાં મિતેષ જાણે ગુમ થઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. બાદમાં તેમની પત્નીએ દીકરીને જન્મ આપ્યો હતો. જો કે દીકરીને પિતાનું અને પિતાને દીકરીનું મોં જોવા ચાર વર્ષની રાહ જોવી પડી હતી.

