અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જે અંતર્ગત હવે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગુજરાતમાં 3 સફારી પાર્કને મંજૂરી આપી છે.
વિગતો મુજબ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કચ્છના નારાયણ સરોવર, ઉના પાસે નલિયા માંડવી તથા કેવડિયા ખાતે સફારી પાર્કને મંજૂરી આપી છે. આમ હવે ગીરના જંગલની બહાર પણ સિંહની ગર્જના ગૂંજી ઊઠશે.
મહત્ત્વનું છે કે, સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ ત્રણેય સફારી પાર્કની કામગીરી શરૂ થશે. વિગતો મુજબ કેવડિયામાં હયાત પાર્ક ઉપરાંત વધુ એક સફારી પાર્ક બનશે. આ સાથે અંબાજી, વાંસદા તથા બરડામાં સફારી પાર્ક સ્થાપના કરવાની કવાયત શરૂ કરવામાં આવશે.
કચ્છ ફોરેસ્ટ ઑફિસરે જણાવ્યું કે, નારાયણ સરોવર પાસે 300 હેક્ટરમાં લાયન સફારી પાર્ક બનાવાશે અને તેનો હેતુ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે બ્રીડિંગ સેન્ટર ડેવલપ કરવા માટેનો પણ છે.

