અમદાવાદઃ બાંગ્લાદેશમાં અનામત વિરોધી અંદોલનના કારણે બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યાં છે અને આર્મીએ દેશનો હવાલો સંભાળ્યો છે. ભારતના પાડોશી દેશમાં ફેલાયેલી અશાંતિથી ગુજરાતની ટેક્સ્ટાઇલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીને મોટી અસર થવાની સંભાવના છે. આ બંને ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહિને અંદાજે રૂ. 800- 1,000 કરોડના માલસામાનની નિકાસ થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે.
કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઇલનું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાઇઝ ઇન્ટરમીડિયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે. કેમિકલ્સના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂ. 5000 કરોડની નિકાસ થઈ હતી. દર મહિને અંદાજે રૂ. 400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવાયાં છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે. કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઈ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે.
ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેન મેડ ફાઇબરની પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહિને અંદાજે રૂ. 200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3000થી વધુ ટેક્સ્ટાઇલ મિલો બંધ થઈ ગઈ છે. બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતનું સ્પર્ધક રહ્યું છે. સસ્તી મજૂરીના કારણે યુરોપ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા રહ્યા હતા. ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારોનું માનવું છે કે, આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફાયદો થશે નહીં. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે. દક્ષિણ ભારતમાં થોડા પ્રમાણમાં તૈયાર કપડાંની આયાત થાય છે. ગુજરાતમાં ત્યાંથી નજીવો માલ આવે છે.
આ સિવાય મોરબીથી વાર્ષિક રૂ. 10થી 12 કરોડની સિરામિક ટાઇલ્સની નિકાસ કરાય છે. સિરામિક ઉત્પાદકોના મતે તેમને બાંગ્લાદેશ સંકટની કોઈ અસર થશે નહીં. રાજ્યના ઉદ્યોગકારોનું માનવું છે કે, હાલ તો આર્મીએ દેશની કમાન સાંભળી છે અને આગામી એક મહિનામાં નવી સરકારની રચના થાય તો પછી પરિસ્થિતિ ફરી સામાન્ય બની જશે.

