મોરબીઃ વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવતા ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં બંધ થઈ ગયાં છે અને આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાં બંધ થવાની શક્યતા છે.
દિવસે દિવસે મોરબીના સિરામિક પ્રોડક્ટની માગમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી હોવાથી સિરામિક ઉત્પાદકોની મુશ્કેલી વધી રહી છે. એની સાથોસાથ આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે.
બંધ થવાનાં કારણો શું?
સિરામિક હબ મોરબીથી માલની ડિમાન્ડ ન હોવાથી મોટાભાગના ઉત્પાદકોના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે. સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલિયાએ જણાવ્યું કે, એક્સપોર્ટમાં સારી ડિમાન્ડ હતી, પરંતુ કન્ટેનરના ભાડામાં 5થી 6 ગણા વધારાથી એક્સપોર્ટ બંધ છે. ડોમેસ્ટિક માર્કેટમાં જોઈએ એટલી ડિમાન્ડ નથી. આ વખતે અમારી અંદાજે નિકાસ 20 હજાર કરોડ પર જવાની હતી, જે અટકી ગઈ છે. USમાં જે એન્ટિ ડમ્પિંગ પ્રોસેસથી નિકાસ બંધ છે. આ ઉપરાંત સીએનજીમાં પણ ભાવવધારો મુખ્ય કારણો પૈકી એક છે. ગોડાઉનો ફુલ થઈ ગઈ ગયાં છે અને કારખાનાં બંધ થવાની આરે છે.

