અમદાવાદઃ ભાજપે સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ બનાવી, પરંતુ તેમના ગામ કરમસદને જ ભૂલી ગયા હોવાનું કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ જણાવ્યું હતું.
કરમસદને આખા દેશનું કેન્દ્ર બનાવવા વિશેષ દરજ્જો અને બજેટ ફાળવવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકીય રીતે કરમસદને તાલુકા પંચાયત અને વિધાનસબા બેઠકનું નામ આપવામાં આવે તેવી પણ માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે કરમસદને અન્ય કોઈ નગર કે મહાનગરનો ભૌગોલિક કે રાજકીય હિસ્સો બનાવવામાં ન આવે તેવી પણ રજૂઆત કરી હતી.
વધુમાં મનહર પટેલે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદમાં એક આદર્શ ગામનું સપનું જોતા હતા. આયોજન પંચ સમક્ષ કરમસદને ખાસ દરજ્જા માટે INNURMમાં સમાવવા માટે 2006, 2010 અને 2012માં ત્રણ વખત રજૂઆત કરાઈ, પરંતુ કોઈ નિર્ણય કરાયો નથી. ભાજપ સરકાર કરમસદ નગરને સૂચિત આણંદ કોર્પોરેશનનો હિસ્સો બનાવી કરમસદ નગરના નામનું ઐતિહાસિક, રાજકીય અને ભૌગોલિક મહત્ત્વ અને અસ્તિત્વ મિટાવી દેવાની પેરવી કરી રહી છે, એટલે કે કરમસદને દેશનું કેન્દ્ર બનાવી આદર્શ ગામના સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને કચડવા જઈ રહી છે.

