રાજકોટઃ સામાન્ય રીતે રહેણાક, ખેતીવાડી કે કોમર્શિયલ ઉપયોગમાં વીજળી પીજીવીસીએલ પૂરી પાડે છે, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આશરે અઢી લાખ વીજગ્રાહકો આત્મનિર્ભર છે. જે વીજળી માટે પીજીવીસીએલ પર આધાર રાખતા નથી, પરંતુ પોતે જ સોલાર રૂફટોપ લગાવીને વીજળી ઉત્પન્ન કરે છે અને વાપરે છે. જરૂર કરતાં વધુ ઉત્પાદન થાય તો ગ્રાહક વીજકંપનીને પણ વીજળી વેચે છે.
સૌરાષ્ટ્રના અઢી લાખ વીજગ્રાહકો રોજ એવરેજ 25 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરી વાપરે છે, સોલાર પેનલ લગાવવામાં રાજકોટ સૌરાષ્ટ્રમાં નંબર-1 રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં આશરે સવા લાખ વીજગ્રાહકોએ સોલાર પેનલ લગાવી હોવાનું જાણવા મળ્યું છે.
પર્યાવરણ અને સૃષ્ટિના જતન માટે સરકારે સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે. કોઈ વીજગ્રાહક 1 કિલોવોટનું સોલાર રૂફટોપ ફિટ કરાવે તો આ સિસ્ટમ દરરોજ 4 યુનિટ એટલે મહિને 120 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરશે.
હવે આ વીજગ્રાહકનું વીજબિલ 100 યુનિટ વપરાશનું જ આવે તો બાકીના 20 યુનિટનું વળતર પીજીવીસીએલ ગ્રાહકને પ્રતિયુનિટ રૂ. 2.25 લેખે દરમહિને તેના વીજબિલમાં જમા આપશે.

