રાજકોટઃ રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી નવી 4 ડોમેસ્ટિક ફલાઇટની જાહેરાત કરવામાં આવી છે. વિન્ટર શિડ્યુલ એટલે કે દિવાળી આસપાસ દિલ્હીની અને ગોવા ઉપરાંત હૈદરાબાદ, અમદાવાદ અને વડોદરા માટેની 4 ફલાઇટ ઉડાન ભરશે. જો કે આંતરરાષ્ટ્રીય ફલાઇટ અંગે કોઈ જાહેરાત કરાઈ નથી.
રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરતી અલગ-અલગ ફ્લાઇટમાં નવી 4 ફલાઇટની જાહેરાત વિન્ટર શિડ્યુલમાં થઈ છે ત્યારે હવે હિરાસર એરપોર્ટ પરથી 14 જેટલી ફલાઇટનું આવાગમન થશે. જો કે તેમાંથી એકપણ આંતરરાષ્ટ્રીય ફલાઇટ ન હોવાથી સૌરાષ્ટ્રવાસીઓ નિરાશ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર એરપોર્ટથી એકપણ આંતરરાષ્ટ્રીય ફલાઇટનું ઓપરેટિંગ હજુ સુધી શરૂ થયું નથી, ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટવાસીઓ માટે હજુ સુધી એકપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની જાહેરાત વિન્ટર શિડ્યુલમાં ન થતાં રાજકોટવાસીઓ નિરાશ થયા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કેમ કોઈ આંતરરાષ્ટ્રીય ફલાઇટની જાહેરાત ન કરાઈ તે બાબતે લોકોમાં ભારે ચર્ચા છે.

