વારાણસીઃ જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં બુધવારે હિન્દુ પક્ષની તરફેણમાં આદેશ આપ્યો તેનાં ગણતરીના કલાકોમાં જ તમામ વ્યવસ્થા કરી દેવાઈ હતી અને બુધવારે મોડી રાત્રે 31 વર્ષ બાદ સંકુલમાં બનેલા વ્યાસજી ભોંયરામાં પૂજા કરાઈ હતી. આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરે નંદીની સામે બેરિકેડનો એક ભાગ હટાવી દેવાયો હતો.
મસ્જિદ મેનેજમેન્ટની હાઈકોર્ટમાં અરજી
પૂજાને મંજૂરી આપતા નિર્ણય પર રોક લગાવવા માટે જ્ઞાનવાપી મસ્જિદ સંચાલન સમિતિએ ગુરુવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે 1993 એટલે કે 31 વર્ષ બાદ જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા બંધ હતી. જો કે વારાણસી કોર્ટે નિર્ણય આપતાં પૂજાને મંજૂરી મળી ગઈ છે.
4 ભાષામાં હસ્તાક્ષર, શિવનાં 3 નામ મળ્યાં
જ્ઞાનવાપીની દીવાલો અને પથ્થર પર 4 ભાષાનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. એમાં દેવનાગરી, કન્નડ, તેલુગુ અને ગ્રંથ ભાષાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ભગવાન શિવનાં 3 નામ જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર પણ મળી આવ્યાં છે. ઉપરાંત પ્રાણીઓની આકૃતિઓ અને ધાર્મિક કોતરણી પણ મળી આવી છે.
નિર્ણય આપી જજ રિટાયર્ડ
જ્ઞાનવાપી કેસમાં આદેશ આપતાં જ વારાણસી જિલ્લા અને સત્ર ન્યાયાધીશ એ.કે. વિશ્વેશ રિટાયર્ડ થઈ ચૂક્યા છે. જો કે છેલ્લા દિવસે જ્ઞાનવાપી પર નિર્ણય આપી એ.કે. વિશ્વેશે પોતાનું નામ ઇતિહાસમાં અંકિત કરાવ્યું છે. અજયકુમાર વિશ્વેશે જ એએસઆઇ સરવેનો આદેશ આપ્યો હતો.
તમામ ભોંયરાના સરવેની માગ
જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી આપ્યાના થોડા દિવસોમાં જ વિશ્વ વેદિક સનાતન સંઘના સભ્ય રાખીસિંહે પરિસરનાં તમામ ભોંયરાના એએસઆઇ સરવેની હાઇકોર્ટમાં અરજી કરી છે. જે મુજબ ભોંયરાની અંદર પણ ગુપ્ત ભોંયરાં છે, જ્ઞાનવાપી મસ્જિદનું સમગ્ર સત્ય બહાર લાવવા તેનો સરવે જરૂરી છે. પિટિશનરના વકીલે જણાવ્યું હતું કે, બંધ ભોંયરાનાં નકશાનો પણ પિટિશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

