મહેસાણાઃ ઊંઝા નગરમાં કડવા પાટીદારોનાં કુળદેવી મા ઉમિયાનું પૌરાણિક મંદિર લગભગ 1868 વર્ષ પૂર્વેનું છે. મા ઉમિયા પ્રત્યેની લોકોની શ્રદ્ધા-ભક્તિમાં અનેક ગણો વધારો થયો છે. દરવર્ષે જગત જનની મા ઉમિયાનાં દર્શન કરવા તમામ જ્ઞાતિ-જાતિના 75 લાખથી વધારે ભક્ત આવે છે. આવનારા દર્શનાર્થીઓ માટે રહેવા-જમવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
સંસ્થામાં ધાર્મિક અને સામાજિક ઉત્કર્ષની વિવિધ પ્રવૃત્તિઓ વર્ષોથી કરવામાં આવે છે. જેવી કે મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય, વિધવા-ત્યક્તા બહેનોને આર્થિક સહાય, વિકલાંગોને ટ્રાઇસિકલ, કુદરતી હોનારતો સમયે સહાય ઉપરાંત દરવર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. જેની નોંધ લઈને ગુજરાત સરકારે શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝાને 'બ' કક્ષાનાં તીર્થસ્થાનોમાંથી 'અ' કક્ષાનાં તીર્થસ્થાનમાં સમાવેશ કરતાં ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લઈ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

