કોંગ્રેસ બાદ ‘આપ’ ધારાસભ્ય ભાયાણી પણ ભાજપના ભરતીમેળામાં જોડાયા

Wednesday 07th February 2024 05:30 EST
 
 

અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક પછી એક વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે ફરી એકવાર ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. આ અગાઉ પણ કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા જોડાઈ ચૂક્યા છે. આ ઉપરાંત જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા તથા ડભોઈ પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. ભાજપે નારાજ કોંગ્રેસ અને આપના નેતાઓને પક્ષપલટો કરાવવા એક અલાયદી કમિટી બનાવી છે. છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ કમલમ તરફ દોટ માંડી છે, જે હજુ યથાવત્ છે. ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં આયોજિત કાર્યક્રમમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી, અરવિંદ લાડાણીએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભૂપત ભાયાણીએ કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.


comments powered by Disqus