અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ યાત્રાધામ અંબાજી ખાતે ફેબ્રુઆરી મહિનામાં ગબ્બર પરિક્રમા મહોત્સવને લઈને માઇભક્તો દેશ-વિદેશમાંથી માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે 2024ના ગબ્બર પરિક્રમા મહોત્સવ મિની કુંભને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 5 દિવસનો મહોત્સવ પર્વ જાહેર કરતાં આ વખતે માઇભક્તો સૌથી વધુ અંબાજી ખાતે આવશે અને પરિક્રમા મહોત્સવમાં જોડાશે.
અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર વરુણવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અગાઉ પરિક્રમા મહોત્સવ 3 દિવસના યોજાતા હતા, પરંતુ આ વર્ષથી પરિક્રમા મહોત્સવ 5 દિવસનો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ સંકુલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને હવનો થશે. ગબ્બર પર્વતની આજુબાજુ આવેલી 51 શક્તિપીઠનાં તમામ મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી બ્રાહ્મણ દ્વારા હવન સહિતના અનેક કાર્યક્રમો, શોભાયાત્રા, આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચાચર ચોકથી ગબ્બરની જ્યોતનાં દર્શન થશે
શક્તિપીઠ અંબાજી મંદિરથી હવે સીધાં ગબ્બરનાં દર્શન કરી શકાશે. ભક્તો મા અંબાના નિજમંદિરમાં દર્શન કરીને ગબ્બર પર્વત પર આવેલ માતાજીની અખંડ જ્યોતનાં દર્શન કરવા અચૂક જાય છે. ભક્તોની આ જ આસ્થાને ધ્યાને રાખી રાજ્ય સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ચાચર ચોકથી સીધાં ગબ્બરની માતાજીની જ્યોતનાં દર્શન થાય તેવાં વિકાસકાર્યો હાથ ધર્યાં છે.
અંબાજી મંદિરના ચાચર ચોકથી ગબ્બરનાં દર્શન કરવામાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોલિડે હોમની ઇમારત વિઘ્નરૂપ હતી. આ ઇમારત વર્ષો જૂની હોવાના કારણે જર્જરિત પણ હોવાથી અંબાજી મંદિર ટ્રસ્ટ વતી અંબાજી મંદિરના ચાચર ચોકથી સીધા ગબ્બરનાં દર્શન થાય તે માટે જર્જરિત હોલિડે હોમનું ડિમોલેશન હાથ ધરાયું છે. જેથી મંદિરમાંથી સીધા જ ગબ્બરની જ્યોતનાં દર્શન થઈ શકશે.

