જૂનાગઢઃ ગરવા ગઢ ગિરનારને આંબવા માટે રાજ્યકક્ષાની સ્પર્ધા બાદ રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ચાર કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં 9 રાજ્યના 494 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી સૌથી વધુ સ્પર્ધકો ગુજરાતના, બીજા નંબરે યુ.પી.ના, ત્રીજા નંબરે હરિયાણા રહ્યા હતા, પરંતુ 4 કેટેગરીની યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ નંબર ગુજરાતના એક જ સ્પર્ધકને મળ્યો હતો, જ્યારે અન્ય રાજ્યના 3 સ્પર્ધકો પ્રથમ નંબરે રહ્યા હતા.
ગુજરાતના ગિરનારની સ્પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવવામાં અન્ય રાજ્ય મોખરે રહ્યાં હતાં. સિનિયર ભાઈઓમાં હરિયાણાનો રાહુલ, જુનિયર ભાઈઓમાં હરિયાણાનો વિકાસ, સિનિયર બહેનોમાં ઉત્તરપ્રદેશની તામસી સિંઘ, જુનિયર બહેનોમાં ગુજરાતની ગરેજા જશુબહેને પ્રથમ નંબર મેળવ્યો હતો.
રાષ્ટ્રીયકક્ષાની 16મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કુલ 9 રાજ્યના 500થી વધુ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 494 સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સિનિયર ભાઈ-બહેનો, જુનિયર ભાઈ-બહેનો એમ કુલ ચાર કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ છે. દર વખત કરતાં આ વખતે રોકડ ઈનામ પણ વધુ મળ્યાં છે.

