અમદાવાદઃ જૂનાગઢના કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિઓ વાઇરલ થતાં જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મૌલાના મુફ્તિ સલમાન અઝહરીની ગુજરાત એટીએસ પોલીસ દ્વારા ઘાટકોપરથી ધરપકડ કરવામાં આવી છે. 31 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વક્તા તરીકે મુંબઈના મૌલાના મુફ્તિ સલમાન અઝહરીને બોલાવાયા હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા આ વીડિયો વાઇરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં.
મુફ્તીને થયેલા ફન્ડિંગ અંગે તપાસ
વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમમાં સામાજિક સૌહાર્દને અસર કરે તેવું ભડકાઉ ભાષણ કરનારા મુંબઈના મૌલાના મુફ્તિ સલમાનની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પહેલાં 31 જાન્યુઆરીએ મુફતી અઝહરે સરહદી જિલ્લા કચ્છના સામખિયારી ખાતે યોજાયેલી સભામાં કરાયેલા ભાષણના અંગે પણ એટીએસ દ્વારા તપાસ આરંભાઈ છે.
જૂનાગઢમાં વિધિવત ગુનો નોંધાતાં કાર્યવાહી સાથે જ મુંબઈના મુફ્તિને ફન્ડિંગ પણ કોણ પૂરું પાડતું હતું તે અંગે એટીએસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પૂર્વ કચ્છ પોલીસ વડાએ જણાવ્યું કે, સામખિયારીના ભાષણની પણ તપાસ કરી રહ્યા છીએ. જૂનાગઢ એલસીબીની ટીમ દ્વારા મૌલાનાને હેડકવાર્ટર ખાતે રાખી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

