ટોરેન્ટ પરિવારનાં શારદાબહેન ઉત્તમભાઈ મહેતાની 93 વર્ષે વિદાય

Wednesday 07th February 2024 05:29 EST
 
 

અમદાવાદઃ ટોરેન્ટ ગ્રૂપના સંસ્થાપક સ્વ. ઉત્તમભાઈ એન. મહેતાનાં પત્ની તથા ઉદ્યોગપતિ સુધીર મહેતા અને સમીર મહેતાનાં માતુશ્રી શારદાબહેન મહેતાનું અમદાવાદમાં સોમવારે સવારે 93 વર્ષની વયે નિધન થયું હતું. ધર્મનિષ્ઠ, કર્તવ્યપરાયણ અને દૃઢ મનોબળ ધરાવતાં શારદાબહેનનો જન્મ 27 ઓગસ્ટ 1931એ પાલનપુરના મેમદપુર ગામમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં ઉત્તમ વહીવટી કૌશલ્ય અને મજબૂત નિર્ણયક્ષમતા પ્રતિબિંબિત થતાં હતાં, જેના કારણે તેઓને જીવનના પડકારોનો સામનો કરવામાં મદદ મળી રહી.
1947માં તેમણે મેમદપુરના જૈન પરિવારના ઉત્તમભાઈ મહેતા સાથે લગ્ન કર્યાં. આ સમયે ઉત્તમભાઈ અગ્રણી બહુરાષ્ટ્રીય ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં તબીબી પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા. જો કે લગ્ન પછી થોડા જ સમયમાં યુ.એન. મહેતાએ ઊંચા પગારવાળી નોકરી છોડીને ઉદ્યોગ સાહસિક બનવાના પોતાનાં સપનાંને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા. આજે ટોરેન્ટ ગ્રૂપની સફળતાનો શ્રેય જેટલો યુ.એન. મહેતાને જાય છે, તેટલો જ શારદાબહેનને ફાળે પણ જાય છે.
શારદાબહેન એવા યુગમાં ઉછર્યાં હતાં, જ્યારે કન્યા શિક્ષણ સમાજમાં બહુસ્વીકૃત ન હતું અને બીજી બાજુ સમાજ કઠોર માન્યતાઓથી બંધાયેલો હતો. આવામાં શારદાબહેને પડકારોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો અને પોતાની બંને પુત્રીને શિક્ષિત કરીને કન્યાશિક્ષણના પ્રગતિશીલ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વભાવે અત્યંત દયાળુ એવાં શારદાબહેન પરમાર્થ માટે હંમેશાં તત્પર રહેતાં હતાં. બાળકોના શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ધાર્મિક હેતુ માટે તેઓએ ઉદારતાથી સખાવતો કરી હતી. તેમનું જીવન અનેક સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ
રહ્યું છે.


comments powered by Disqus