ગાંધીનગર: નાણામંત્રી કનુ દેસાઈએ ત્રીજી વખત શુક્રવારે રાજ્ય વિધાનસભાગૃહમાં ગુજરાત સરકારનું 2024-25ના નાણાકીય વર્ષ માટે રૂ. 3,32,495 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જે 2023-24ના વર્તમાન બજેટની તુલનાએ રકમની દૃષ્ટિએ રૂ.31.443 કરોડનો અને ટકાવારીની બાબતમાં 10.44 ટકાનો વધારો દર્શાવે છે. રાજ્યમાં કુપોષણનું કલંક મિટાવવા તથા શિક્ષણ પર બજેટમાં વધુ ઝોક અપાયો છે.
ખેડૂતો માટે રૂ. 22,194 કરોડની જોગવાઈ
નાણામંત્રી કનુભાઈ દેસાઈના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેતઓજારોની ખરીદીમાં સહાય માટે રૂ. 701 કરોડ, ફેન્સિંગ માટે રૂ. 350 કરોડ, રાષ્ટ્રીય કૃષિવિકાસ યોજના અંતર્ગત રૂ. 218 કરોડ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે રૂ. 200 કરોડ, વીમારક્ષણ આપવા રૂ. 81 કરોડ, ડ્રોન ટેક્નોલોજી અને નેનો યુરિયાનો વપરાશ વધારવા રૂ. 56 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટમાં હેલ્થ માટે રૂ. 20,100 કરોડની જોગવાઈ
રાજ્ય બજેટમાં પરિવાર કલ્યાણ અને હેલ્થ માટે વિશેષરૂપે રૂ. 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત હેલ્થના બજેટમાં 32.40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. PMJAY યોજના હેઠળ 2531 પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે રૂ. 3110 કરોડ, મેડિકલ કોલેજ, હોસ્પિટલમાં સુવિધા વધારવા રૂ. 2308 કરોડ, GMERS હોસ્પિટલો માટે રૂ. 1000 કરોડ, 108 ઇમર્જન્સી એમ્બુલન્સ માટે રૂ. 76 કરોડની જોગવાઈ કરાઈ છે.
શિક્ષણ વિભાગ માટે રૂ. 55,114 કરોડની જોગવાઈ
શાળામાં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જે અંતર્ગત રૂ. 1250 કરોડ, નમો સરસ્વતી યોજના હેઠળ ધો.11-12ના વિદ્યાર્થીઓ માટે રૂ. 250 કરોડ, શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 3000 કરોડ, ધો.9થી 12ના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવા રૂ. 260 કરોડ, PM પોષણ યોજના માટે રૂ. 1400 કરોડ, મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે રૂ. 160 કરોડની જોગવાઈ કરાઈ છે.
ગુજરાત પોલીસ બનશે સ્માર્ટ, શહેરોમાં લાગશે CCTV
પોલીસને સ્માર્ટ બનાવવા ગૃહવિભાગ માટે રૂ. 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત પોલીસને સ્માર્ટ, ટેક્નોલોજીથી સજ્જ કરાશે. મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવાશે.
નવી 7 મહાનગરપાલિકા બનશે
વર્ષ 2047 સુધીમાં ગુજરાતમાં શહેરીકરણ 75 ટકાને પાર કરશે. આ દિશામાં આગોતરા આયોજન માટે નાણામંત્રી કનુભાઈ પણ દેસાઈએ વર્ષ 2024- 25ના મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણ એમ 7 નગરપાલિકાને મ્યુનિ. કોર્પોરેશનનો દરજ્જો આપવા જાહેરાત કરી. આ આમ મહાનગરોની સંખ્યા 8થી વધીને 15 થઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તાબા હેઠળના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને બજેટમાંથી કુલ 21,996 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગરીબ, યુવા, ખેડૂત, નારીશક્તિ પ્રાધાન્ય: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી કનુભાઈએ રજૂ કરેલા બજેટ અંગે જણાવ્યું કે, સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે.
વિભાગ રકમ રૂ. વૃદ્ધિ%
• શિક્ષણ 55,114 કરોડ 26.3%
• આરોગ્ય 20,100 કરોડ 32.4%
• નર્મદાજળસંપત્તિ 25,069 કરોડ 11.9%
• શહેરી વિકાસ 21,696 કરોડ 10.2%
• ગૃહ વિભાગ 10,378 કરોડ 21.1%
• માર્ગ-મકાન 22,163 કરોડ 7.4%
• પંચાયત 12,138 કરોડ 13%
• આદિજાતિ 4,374 કરોડ 28.3%
• મહિલા, બાળવિકાસ 6,885 કરોડ 13.5%
• ઉદ્યોગ-ખાણ 9,228 કરોડ 7.4%
• રમત-ગમત 767 કરોડ 34.9%
• વન-પર્યાવરણ 2,586 કરોડ 25.3%
• નાગરિક પુરવઠા 2,711 કરોડ 25.2%
• ક્લાઈમેટ ચેન્જ 1,163 કરોડ 24.2%

