હરદાઃ મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં આવેલા બૈરાગઢના રહેણાક વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 74 વ્યક્તિ ગંભીરપણ દાઝી ગઈ છે. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે સમગ્ર વિસ્તાર સળગીને ખાખ થઈ ગયો. એક અંદાજ મુજબ બ્લાસ્ટના સ્થળની આસપાસનાં 100 ઘર પણ બળીને ખાખ થઈ ચૂક્યા હતા. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી હતી અને અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા.
જિલ્લા પ્રશાસનના જણાવ્યા પ્રમાણે મૃતકોનો આંકડો બપોરે 2 વાગ્યા સુધીમાં વધીને 11 થઈ ચૂક્યો હતો, જેમાં વધારો નોંધાઈ શકે છે. ઘાયલો પૈકી 63 લોકોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં તો અન્ય 11 લોકોને અન્ય રિફર કરવામાં આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે ફાયરબ્રિગેડની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને અન્ય જિલ્લાની એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની પણ મદદ લેવામાં આવી હતી.
મકાનમાં રહેલા ગન પાવડરમાં થયો બ્લાસ્ટ
મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે ફેક્ટરીમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો કે આખું શહેર હચમચી ગયું. ફટાકડા માટે મકાનોમાં રાખવામાં આવેલા ગન પાવડરના સંપર્કમાં આવ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
મૃતકોના પરિવારને રૂ. 4-4 લાખની સહાય
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ દુર્ઘટનાને ગંભીરતાથી લઈ તુરંત જ મૃતકોના પરિવારને રૂ. 4-4 લાખની સહાયની જાહેરાત કરી હતી, તો ઘાયલોની સારવાર માટે પણ ત્વરિત સારામાં સારી સુવિધા ઊભી કરવામાં આવી હતી. મૃતકોના પરિવારનાં બાળકોના અભ્યાસનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. આ સિવાય ફરી આવી ઘટના ન સર્જાય તે માટે મુખ્યમંત્રી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

