વડોદરાઃ 3 અને 4 ફેબ્રુઆરીએ વડોદરામાં મેકરફેસ્ટ યોજાયો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના ત્રણ સંશોધકોએ સમાજને ઉપયોગી તૈયાર કરેલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા, જેમાંથી ઔદ્યોગીકરણને કારણે દૂષિત પાણીને શુદ્ધ કરતા કાપડના પ્રોજેક્ટને ગોલ્ડ મેડલ એનાયત થયો છે.
પાણી શુદ્ધ કરતું ‘ફોટો કેટાલિટિક કાપડ’
ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે જળ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા છે. ફોટો કેટાલિટિક ક્ષમતા ધરાવતું આ કાપડ ડાઈથી પ્રદૂષિત પાણીમાં નાખી સૂર્યપ્રકાશમાં મૂકતાં જ પાણી શુદ્ધ થાય છે. આ પ્રોજેક્ટ ક્રિના રામાણી, દેવાંશી પરીખ, વૃષ્ટિ ડોબરિયાએ રજૂ કર્યો હતો.
નેનો સેલ્યુલોઝ બેઝ ફર્ટિલાઇઝર હાઇડ્રોજેલ
હાઇડ્રોજેલના કૃષિક્ષેત્રે મુખ્ય 2 ઉપયોગ છે. હાઇડ્રોજેલ ઓછાં પાણીમાં ખેતી કરવા માટે ઉપયોગી થશે. આ હાઇડ્રોજેલમાં નેનો સેલ્યુલોઝ ઉમેરાયું છે, જેને ગાયના છાણમાંથી બનાવાયું છે. ગાયના છાણમાંથી મેળવેલ આ નેનોસેલ્યુલોઝ ફર્ટિલાઇઝર કુદરતી હોવાથી આડઅસરનો ભય નથી. આ પ્રોજેક્ટ ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ ઉર્વશી જાંબુકિયા, હિરલ કામદાર, તિલક પંડ્યા, દિશા મકવાણાની ટીમે રજૂ કર્યો.
તેલ-પાણીના અલગ કરવા શોધ
ઔદ્યોગિક ક્ષેત્રે તેલ-પાણીનું અલગીકરણ જટિલ સમસ્યા છે. આ દિશામાં ભૌતિકશાસ્ત્ર ભવનની ફંક્શનલ ઓક્સાઇડ લેબના સંશોધકો ઘણા સમયથી કામ કરી રહ્યા છે. આ ઓલીઓ ફોબિક સપાટી નેનો પાર્ટિકલ્સ અને ઓર્ગેનિક પોલિમર્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. જે તેલમાં રહેલા પાણીને શોષી લેશે. ઉપરાંત આ તૈલીય પદાર્શોનો પુનઃ ઉપયોગ શક્ય બનાવશે.

