રાજકોટઃ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં યુવાનોથી લઈને વૃદ્ધોમાં છાતીમાં દુખાવો, હૃદયરોગના હુમલા અને તેનાથી થતાં મોતની સંખ્યામાં વધારો થયો છે. શુક્રવારે રાજ્ય સરકારના બજેટમાં રાજકોટ ખાતે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે નાણાની જોગવાઈ કરાઈ છે. આ જોગવાઈથી સરકારી હોસ્પિટલમાં હૃદયરોગ સંબંધી સુવિધામાં વધારો થયો છે. હવેથી સરકારી હોસ્પિટલમાં પીએમજેવાય યોજના અંતર્ગત વિનામૂલ્યે બલૂન, સ્ટેન્ટ મૂકી શકાશે તેમજ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઘરઆંગણે જ મળી રહેશે.
રાજકોટમાં હૃદયસંબંધી સુવિધા અને સારવારમાં વધારો થવાથી 90 ટકા દર્દીના અમદાવાદ સુધીના ધક્કા અને 5 કલાકની મુસાફરીનો સમય બચી જશે, જે ગોલ્ડન અવર્સમાં દર્દીને યોગ્ય સારવાર રાજકોટમાં જ પ્રાપ્ત થશે તેમ સિવિલ અધીક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સુવિધા મળી રહી છે. જો રાજકોટમાં કાર્ડિયાક સેન્ટર શરૂ થાય તો સ્થાનિક કક્ષાએ યુ.એન. મહેતા હોસ્પિટલનો સ્ટાફ મળશે તેમજ નવાં-નવાં સાધનો અને સુવિધામાં વધારો થવાથી કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ સ્ટ્રોંગ બનશે.

