રાજકોટની સિવિલ દર્દીઓથી ઊભરાઈ: મિશ્ર ઋતુથી ઝાડા-ઊલ્ટી, તાવ, શરદી-ઊધરસના રોગ વધ્યા

Wednesday 07th February 2024 05:30 EST
 
 

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે, આથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યૂના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાતાં સિવિલ અધીક્ષકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
એક અઠવાડિયામાં 1695 કેસ
સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં એક સપ્તાહથી દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે. લાંબા સમય બાદ મનપાના ચોપડે વિવિધ રોગોના 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઊધરસના 1263 કેસ, ઝાડા-ઊલટીના 256 કેસ, સામાન્ય તાવના 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે, ત્યારે લોકો સાવચેતી રાખે તે જરૂરી છે.


comments powered by Disqus