વડનગર ક્લાઈમેન્ટ ચેન્જ સામે જીવતાં શીખવે છેઃ પુરાતત્ત્વ વિભાગ

Wednesday 07th February 2024 06:04 EST
 
 

વડનગરઃ હવામાનમાં ફેરફાર વચ્ચે વડનગરમાં 2800 વર્ષથી વસ્તી અને ખેતી અડીખમ રહી હોવાનું પુરાતત્ત્વ વિભાગના તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે. વડનગરમાં અવિરત વસવાટ ચાલતો આવ્યો છે, તેનું મુખ્ય કારણ વાતાવરણમાં થતા ફેરફાર વચ્ચે પણ લોકો જીવનમાં પરિવર્તન લાવતા રહ્યા છે. 13મી સદી પછી વાતાવરણમાં આવેલા ફેરફારને લઈ નહિવત્ પ્રમાણમાં વરસાદ થતાં અહીંના લોકોએ ખેતીમાં આમૂલ ફેરફાર કર્યા હતા અને પરંપરાગત ચોખાની ખેતી અને વધુ પાણી લેતા પાકોને તીલાંજલિ આપી ઓછાં પાણીએ તૈયાર થતા બાજરાના પાકનું વાવતેર શરૂ કરી ખાદ્ય ઉત્પાદન જાળવી રાખ્યું હતું.
પુરાતત્ત્વ વિભાગ દ્વારા હાલ ચાલી રહેલા સંશોધન દરમિયાન અહીં વસતા લોકો મોટાપાયે ચોખાની ખેતી કરતા હતા તેના પુરાવા મળ્યા છે. જો કે સોલંકીકાળ પછી હવામાનમાં આવેલા ફેરફાર દરમિયાન ઓછો વરસાદ થતાં આ પરિસ્થિતિમાં લોકોએ ખેતીમાં પણ પરિવર્તન લાવી ઓછા પાણીમાં તૈયાર થતા મિલેટ (બાજરા)નું વાવેતર શરૂ કર્યું હતું. પ્રાચીન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતાં ખોરાકના પુરાવા પુરાતત્ત્વ વિભાગના સંશોધનમાં મળી આવ્યા છે.
અહીં વસવાટ કરતા લોકોએ પાણીની ગંભીરતા સમજી તળાવોનું પણ નિર્માણ કર્યું હતું. નોંધનીય છે કે, અબુ ફજલ લિખિત “આઇના-એ-અકબરી’માં વડનગરમાં 360 તળાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાંથી હાલ 50થી વધુ હયાત છે. જેમાં 36 તળાવોમાં બારેમાસ પાણી ભરેલું રહે છે તેવું ભારતીય પુરાતત્ત્વ વિભાગના સરવેમાં બહાર આવ્યું છે. આમ વડનગર અવિરત રહ્યું છે. અહીં વસતા લોકોએ કુદરતી ફેરફારોને સ્વીકારી લીધા હતા.


comments powered by Disqus