વડોદરાઃ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (એમ.એસ.યુ)નો 72મો પદવીદાન સમારંભ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયો હતો. નાદુરસ્ત તબિયતના કારણે હાજર નહીં રહેનારા મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીને સંબોધન કર્યું હતું. સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ચાન્સેલર રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.
સમારંભમાં ઓનલાઇન જોડાયેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડે પોતાના ઉદ્બોધનનો પ્રારંભ એમ કહીને કર્યો હતો કે, 'મને જ્યાં જવું ગમે તેવા સમારંભોમાં યુનિવર્સિટી પદવીદાન સમારંભનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ એવો છે જે મને મારો યુવાનીકાળ અને વિદ્યાર્થી જીવનની યાદ અપાવે છે. હું રૂબરૂ ઉપસ્થિત નથી રહી શક્યો તેના માટે દિલગીર છું. આ સમારંભ તમે મેળવેલી ડિગ્રી કે ગોલ્ડ મેડલની ઉજવણી માટે નથી, પરંતુ આજથી શરૂ થતી નવી સફર માટેની છે. જ્ઞાન અને શિક્ષણ માત્ર કારકિર્દી બનાવવા માટે નથી, પરંતુ તેના થકી સારું વ્યક્તિત્વ વિકસાવીને સારા નાગરિક અને સારા આગેવાન બની શકો છો. નિષ્ફળતા અને વિપરીત પરિસ્થિતિમાં અડગ રહો. તમારા દુશ્મનો સામે જાગૃત રહો. નિંદાથી ડરો નહીં. ઉજ્જવળ ભવિષ્ય માટે સરળ જીવનશૈલીને અપનાવો.'
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના દાદા બરોડા સ્ટેટ હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર હતા
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડના વડોદરા કનેક્શન અંગે માહિતી આપતાં રાજમાતાએ કહ્યું હતું કે, 'ડી.વાય. ચંદ્રચૂડના દાદા ડો. આર.બી. ચંદ્રચૂડ બરોડા સ્ટેટ હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે સેવા આપતા હતા. તેઓ સન 1925 થી 1942 સુધી એટલે કે 17 વર્ષ સુધી આ પદ પર રહ્યા હતા. તે સમયે તેઓ ધન્વંતરિ બંગલોમાં રહેતા હતા, જે હાલમાં વાઇસ ચાન્સેલરના નિવાસસ્થાન માટે ઉપયોગમાં લેવાય છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે તેઓને ઘનિષ્ઠ સંબંધ હતા.' આ વાતને સીજેઆઇ ચંદ્રચૂડે પણ પોતાના વક્તવ્યમાં પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, 'વડોદરા આવવાનું મુખ્ય કારણ એ પણ હતું કે રાજમાતાને રૂબરૂ મળીને તેમના આશીર્વાદ મેળવી શક્યો હોત.

