નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે 2024ની લોકસભાની ચૂંટણી અગાઉનું નરેન્દ્ર મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ અને ખેડૂતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વચગાળાના બજેટની પરંપરાને ધ્યાનમાં રાખી સરકારે હાલમાં વેરાના દરો યથાવત રાખ્યા છે. જો કે સીતારામને કહ્યું છે કે મોદી સરકાર સંપૂર્ણ બજેટમાં ‘વિકસિત ભારત' માટે એક વિસ્તૃત રૂપરેખા તૈયાર કરશે. સીતારામને કહ્યું, આગામી ચૂંટણીમાં પણ ભાજપ જ સરકાર બનાવશે. સંપૂર્ણ બજેટ લોક્સભાની ચૂંટણી બાદ જુલાઇમાં રજૂ કરાશે.
સીતારામને બજેટમાં સર્વગ્રાહી હિતકર બજેટ રજૂ કર્યું છે. જે અંતર્ગત પ્રવાસન સ્થળોનો વિકાસ, મધ્યમ વર્ગ માટે 300 યુનિટ નિઃશુલ્ક વીજળી, મનરેગા, વંદે ભારતને આધુનિક બનાવવા હેતુ, સંરક્ષણને ધ્યાને રાથી બજેટ રજૂ કર્યું છે.
ભાજપ અને સાથી પક્ષોએ તેને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે તો કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ 'નિરર્થક' ગણાવી તેની ટીકા કરી છે. લોકસભામાં પોતાની આશરે એક કલાક લાંબી બજેટ સ્પીચમાં સીતારામને છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને પ્રવાસન, હાઉસિંગ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને પ્રોત્સાહન માટેના પગલાની જાહેરાત કરી હતી.
દેશના ભવિષ્યનું બજેટઃ વડા પ્રધાન મોદી
નાણામંત્રીના બજેટની શરૂઆત સરકારની યોજનાઓથી થઈ અને અંત મિડલ ક્લાસ સાથે થયો. આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો. બજેટનું સંપૂર્ણ ભારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ફેર સ્કીમ પર રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ નાણામંત્રીના ભાષણના સમાપન બાદ પોતાની સરકારના અંતિમ બજેટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ‘આ દેશના ભવિષ્ય નિર્માણનું બજેટ છે.’

