સુરતઃ વેલંજા-પારડી હાઇવે રોડ પર રંગોલી ચોકડી નજીક અંત્રોલી ખાતે રૂ. 1000 કરોડના ખર્ચે 35 વીઘા જમીનમાં 2000 દીકરા-દીકરી માટેનાં છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડિશિયરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. ડિફેન્સ એકેડેમી, સ્કિલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાતા જયંતી બાબરિયાએ રૂ. 11 કરોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ફોરમબહેન વરસાણી(આફ્રિકા)એ રૂ. 5 કરોડ સહિત સેંકડો દાતાઓએ રૂ. 25 લાખથી રૂ. 2 કરોડ સુધીનું દાન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન દાતાઓ દ્વારા રૂ. 68 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

