સુરતઃ ઇન્ડિગો એરલાઇન્સ 23 ફેબ્રુઆરીથી સુરતથી દુબઈ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. ઇન્ડિગોએ દુબઈથી સુરત ટિકિટનું બુકિંગ રૂ. 7900થી શરૂ કરતાં ટાટા ગ્રૂપની એરઇન્ડિયા એક્સપ્રેસ સચેત થઈ ગઈ છે. તેથી એર ઇન્ડિયા એક્સપ્રેસે રૂ. 12 હજારથી 14 હજારની દુબઈથી સુરત ટિકિટનો દર રૂ. 7,698 કરી દીધો છે. જેથી કહી શકાય છે કે હવે એર ઇન્ડિયા એક્સપ્રેસે ઇન્ડિગો સાથે પ્રાઇસ વોરમાં ટક્કર આપવાનું નક્કી કર્યું છે.
ફ્લાઇટમાં ટિકિટની સ્પર્ધા
ઇન્ડિગોએ દુબઈથી સુરત માટે રૂ. 7,900માં બુકિંગ શરૂ કરતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ ટિકિટના દર ઘટાડવાની ફરજ પડી છે. ઇન્ડિગોની રૂ. 7,900ની ટિકિટ સામે એર ઇન્ડિયા એક્સપ્રેસે રૂ. 7,698માં 23 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ કરી ઇન્ડિગોને સ્પર્ધા આપવાનું વલણ અખત્યાર કર્યું છે.
લાભ પેસેન્જરને મળશે
સુરતથી દુબઈ અને દુબઈથી સુરતના ફ્લાઇટ રૂટમાં એરઇન્ડિયા અને ઇન્ડિગો વચ્ચે સ્પર્ધા શરૂ થતાં પેસેન્જર્સને સીધો લાભ થઈ રહ્યો છે. સુરતથી દુબઈ વેપાર માટે અવરજવર કરતા પેસેન્જરને ટિકિટ સસ્તી મળશે તો ટ્રાવેલિંગ સંખ્યા વધારશે. વર્ષ 2023માં એરઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી શારજાહની ફ્લાઇટને બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. ડિસેમ્બરમાં સુરતથી દુબઈ અને દુબઈથી સુરતનાં 2 ફેરા મળી 2023માં શારજાહ-દુબઈ માટે સુરતથી 56,822 પેસેન્જર મળતાં ઇન્ડિગો એરલાઇન્સ 23 ફેબ્રુઆરીથી સુરત-દુબઈ-સુરત રૂટ પર સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે.

