રાંચીમાં મંત્રીના અંગત સચિવના નોકર પાસેથી રૂ. 30 કરોડ રોકડા મળ્યા

Wednesday 08th May 2024 07:02 EDT
 
 

રાંચીઃ ઝારખંડના પાટનગર રાંચીમાં વિવિધ સ્થળોએ વીરેન્દ્ર રામ મામલે દરોડામાં ઇડીએ રાજ્યના ગ્રામીણ વિકાસમંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ પાલના ઘરના નોકરને ત્યાંથી સોમવારે રૂ. 30 કરોડથી વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જપ્ત કરાયેલી રોકડ રકમમાં મોટાભાગે રૂ. 500ની નોટો છે.
સંજીવ પાલના ઘરે નોટો ગણવાનાં મશીન અને સ્ટીલના ટ્રંક લવાયાં હતાં. માર્ગ નિર્માણ વિભાગના એન્જિનિયર વિકાસકુમારના ઘરે પણ ઈડીના દરોડા પડ્યા હતા. નોંધનીય છે કે, ઈડીએ ગતવર્ષે ફેબ્રુઆરીમાં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામની મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે ઘણી મોટી હસ્તીઓ સાથે સંબંધોનો ખુલાસો કર્યો હતો. વીરેન્દ્ર રામને ત્યાંથી રૂ. 150 કરોડની સંપત્તિ મળી હતી. આ ઉપરાંત રૂ. 2 કરોડની સોનાની જ્વેલરી, એક લેપટોપ અને કેટલીક પેનડ્રાઇવ પણ મળી હતી. વીરેન્દ્ર રામનાં 24 ઠેકાણાં પર ગતવર્ષે 21 ફેબ્રુઆરીએ શરૂ થયેલી દરોડાની કાર્યવાહી બીજા દિવસે પૂરી થઈ હતી. આ દરમિયાન તેની પાસેથી કબજે લેવાયેલા દસ્તાવેજોના આધારે બે દિવસ સુધી તેની પૂછપરછ કરાઈ હતી. વીરેન્દ્ર રામ એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે. ગતવર્ષે ઈડીએ આરોપ લગાવ્યો હતો કે, વીરેન્દ્રએ કોન્ટ્રાક્ટર્સને ટેન્ડરve બદલામાં કમિશન પેટે કરોડોની કાળી કમાણી કરી હતી.


comments powered by Disqus