સુરતઃ યુક્રેન અને રશિયા બાદ હવે વિશ્વભરની નજર ઇરાન અને ઇઝરાયલ પર છે. હાલ અહીં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, તેની સીધી અસર સુરતના હીરાઉદ્યોગ પર જોવા મળી રહી છે. જ્યારથી આ પરિસ્થિતિ ઊભી થઈ ત્યારથી જ ઇઝરાયલ સાથે હીરાના વેપાર ઠપ થઈ ગયા છે. હાલ હીરાઉદ્યોગમાં મંદી છે, બીજી બાજુ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સર્જાયેલી પરિસ્થિતિના કારણે ઇઝરાયલથી સુરતના હીરાવેપારીઓ પણ પરત આવવા શરૂ થઈ ગયા છે. આ યુદ્ધની સીધી અસર રૂ. 1400 કરોડના હીરાઉદ્યોગના વ્યવસાય પર જોવા મળી રહી છે.
વેપારી સ્વદેશ પરત આવી રહ્યા છે
મંદીમાંથી પસાર થતા સુરતના હીરાઉદ્યોગ માટે એક ખરાબ સમાચાર એ છે કે, તાજેતરમાં ઇરાન અને ઇઝરાયલ વચ્ચે જે સ્થિતિ સર્જાઈ છે, તેની સીધી અસર સુરતના હીરાઉદ્યોગ પર પડી રહી છે. સુરત વિશ્વમાં 100માંથી 90 કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરે છે. સુરતનો હીરાઉદ્યોગ તેના 18 ટકાથી વધુ હીરા ઇઝરાયલ નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સંભવ છે કે વેપાર પર તેની ખાસી અસર પડશે. એક તરફ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ અને બીજી તરફ બજારને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માની રહ્યા છે કે, દિવાળી પછી પણ તેની ખરાબ અસર જોવા મળી શકે છે. ઈઝરાયલમાં રહેતા સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ત્યાંની સ્થિતિ જોઈને અને ભારત સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને સ્વદેશ પરત ફરી રહ્યા છે.

