નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ દ્વારા 5 રાજ્યોમાં ફેલાવાલું ગેરકાયદે કિડની ટ્રાન્સપ્લાન્ટનું કૌભાંડ ઝડપી લેવાયું છે. દેશનાં 5 રાજ્યો દિલ્હી, હરિયાણા, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં તે છેલ્લાં 6 વર્ષથી ચાલી રહ્યું હતું. ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર ઇન્સ્પેક્ટર પવન દ્વારા જૂનમાં આ કૌભાંડને ઝડપી લેવાયું હતું.
કૌભાંડનો માસ્ટર માઇન્ડ એમબીએની ડિગ્રી ધરાવે છે, જેણે અનેક હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કો.ઓર્ડિનેટર તરીકેની કામગીરી પણ બજાવી હતી. પોલીસે કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે 39 વર્ષના સંદીપ આર્યની ઓળખ જાહેર કરી હતી, જેણે 34 જેટલી કિડની ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટ કરાવીને રૂ. 10 કરોડની રકમ પડાવી હતી. આ કેસમાં આર્ય અને તેના સહયોગી વિજયકુમાર કશ્યપ ઉર્ફે સુમિત સામે કિડની ટ્રાન્સપ્લાન્ટ મેળવનારની પત્નીએ પોલીસમાં કેસ કર્યો હતો.
અન્ય રાજ્યોમાં કૌભાંડ ફેલાવ્યું
આ પછી આર્યએ અન્ય 3 રાજ્યો ગુજરાત, પંજાબ ને મધ્યપ્રદેશમાં કૌભાંડનો વ્યાપ વિસ્તાર્યો હતો. જે 8 લોકોને પકડવામાં આવ્યા છે તેમાં સુમિત, શિખા, પ્રશાંત અને મોહમ્મદ હનિફ અને આર્યનાં નામ સામે આવ્યાં છે. અન્ય એક આરોપી તેજપ્રકાશ કિડનીના દાતા અને ગ્રાહકોને શોધી લાવતો હતો. તેણે પોતાની પત્ની માટે આર્ય પાસેથી કિડની મેળવી હતી.

