અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીની ધૂમ છે અને ખેલૈયા મન મૂકીને ગરબાની મજા માણી રહ્યા છે, ત્યારે અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રી અંગે બફાટ કરતાં વિવાદ સર્જાયો છે.
અમદાવાદના વસ્ત્રાલ સ્વામિનારાયણ ગુરુકુળના યુટ્યૂબર અનુપમ સ્વરૂપ સ્વામીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. યુ-ટ્યૂબર સ્વામી કહી રહ્યા છે કે, આ નવરાત્રી નહીં, લવરાત્રી છે. નવ દિવસનો નાઇટ ફેશન શો છે. શરમ સાવ ગઈ, પહેરવેશના નામે અંગ પ્રદર્શન થઈ રહ્યું છે. વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવી ગયા છે.
આ સ્વામીના બફાટભર્યા નિવેદન બાદ જૈન સંપ્રદાયના વિજય બોધિસૂરીશ્વરજી મહારાજ પણ નવરાત્રીને લવરાત્રી કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે સૌથી વધારે પાપનો પ્રવેશ કરાવનારું કોઈ હોય તો નવરાત્રી છે. 9 દિવસ કપડાં જુદાં, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદાજુદા. તેમણે વીડિયોમાં એટલે સુધી કહી નાખ્યું કે, ખાનપુરના ડોક્ટરે મને કહ્યું હતું નવરાત્રીના 3 માસ બાદ એબોર્શન કરાવવા મારે ત્યાં લાઇન લાગે છે. આ બંને વીડિયો બાદ હિન્દુ સાધુ-સંતો અને વિહિપે તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ફેમ માટે આ લોકો ગમે તે ભાષણ આપે છે.

