નવી દિલ્હીઃ ભારતના પાંચ દિવસના પ્રવાસ પર આવેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહંમદ મુઈઝ્ઝુએ સોમવારે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. પ્રધાનમંત્રી મોદી અને મુઇઝ્ઝુએ માલદીવમાં હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું. આ દરમિયાન મુઇઝ્ઝુએ પ્રધાનમંત્રી મોદીને માલદીવ આવવા આમંત્રણ પણ આપ્યું.
મોદી-મુઇઝ્ઝુનું સંયુક્ત નિવેદન
મુઇઝ્ઝુ અને મોદીએ હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત નિવેદન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત અને માલદીવના સંબંધ સદીઓ જૂના છે અને ભારત માલદીવનું સૌથી નજીકનો અને ઘનિષ્ઠ મિત્ર દેશ છે. આજે અમે એકબીજા સાથે સહયોગ અને રણનીતિક દિશા આપવા માટે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક અને મેરિટાઇમ સિક્યોરિટી પાર્ટનરશિપનું વિઝન અપનાવ્યું છે. ડેવલપમેન્ટ પાર્ટનરશિપ અમારા સંબંધોનો મૂળ આધાર છે અને અમે આ દિશામાં હંમેશાં માલદીવના લોકોના હિતને પ્રાથમિકતા આપી છે.
મુદ્રા વિનિમય ડીલ
માલદીવમાં ચાલી રહેલી ભારતીય પરિયોજનાઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, માલદીવની જરૂર મુજબ 400 મિલિયન અમેરિકન ડોલરની મુદ્રા વિનિમય ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને માલદીવ મુક્ત વેપાર સમજૂતી પર વાતચીત શરૂ કરશે. અમે માલદીવમાં પ્રાથમિક સ્ટ્રક્ચરના વિકાસ માટે સહયોગની વાત કરી છે. આ સાથે ભારતના સહયોગથી બનાવવામાં આવેલા 700થી વધુ સોશિયલ હાઉસિંગ યુનિટ્સ હેન્ડઓવર કરવામાં આવ્યા છે. માલદીવના 28 આઇલેન્ડ પર પાણી અને ગટરના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. આ પ્રોજેક્ટ 30 હજાર લોકોને શુદ્ધ પીવાનાં પાણીની સુવિધા આપશે.
માલદીવ ફોર્સને ટ્રેનિંગમાં સહયોગ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, એકતા હાર્બર પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અમે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સીસની ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડિંગમાં સહયોગ યથાવત્ રહેશે. ઇન્ડિયન ઓશન રિઝનમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. હાઇડ્રોગ્રાફી અને ડિઝાસ્ટર રિસ્પોન્સમાં સહયોગ વધારવામાં આવશે.

