અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે, ત્યારે આ વખતે સરેરાશ 48 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 138 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રિજિયન પ્રમાણે સૌથી વધુ સરેરાશ વરસાદ પડ્યો હોય તેમાં કચ્છ સતત ત્રીજા વર્ષે મોખરે રહ્યું છે.
ગુજરાતમાં અગાઉ સૌથી વધુ વરસાદ પડતો હોય તેમાં દક્ષિણ ગુજરાત રિજિયન મોખરે રહેતું હતું. પરંતુ છેલ્લાં 10 વર્ષથી આ પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. 2015થી 2024 એમ 10 વર્ષમાં 6 વખત સૌથી વધુ વરસાદ પડ્યો હોય તેમાં કચ્છ મોખરાના સ્થાને છે. આ વખતે 141 તાલુકામાં 40 ઈંચથી વધુ, 103 તાલુકામાં 20 થી 40 ઈંચ જ્યારે 7 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં સૌથી વધુ 146 ઇંચ, વલસાડના કપરાડામાં સૌથી વધુ 139 ઈંચ, વલસાડમાં 125 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 146 ઈંચ, નવસારીમાં 109 ઈંચ, ડાંગમાં 103 ઈંચ વરસાદ નોંધાયો છે.
રિજિયન પ્રમાણે જોતાં કચ્છમાં સૌથી વધુ 184.86 ટકા, બીજા નંબરે સૌરાષ્ટ્રમાં 147.87 ટકા, ત્રીજા નંબરે દક્ષિણ ગુજરાતમાં 141.35 ટકા, ચોથા નંબરે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 132.91 ટકા અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 114.90 ટકા નોંધાયો છે.

