આતંકી પન્નુએ પ્રધાનમંત્રી મોદી, રાજનાથ વિરુદ્ધ ઝેર ઓક્યું

Wednesday 10th April 2024 07:08 EDT
 
 

નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આતંકવાદીએ એક વીડિયો પ્રસિદ્ધ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુરક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકરને પડકાર ફેંક્યો છે.
પન્નુએ મોદી સરકાર વિરુદ્ધ મોરચો ખોલવાની વાત કહેતાં કહ્યું કે, તેનું સંગઠન શીખ ફોર જસ્ટિસ તથાકથિત ખાલિસ્તાન જનમત સંગ્રહ માટે અભિયાન ચાલુ રાખશે. પન્નુએ કહ્યું કે પોતાના સંગઠનને તે અપીલ કરશે કે તેઓ ભાજપ નેતાઓની રેલીઓમાં પ્રદર્શન કરે.
પન્નુએ કહ્યું કે, ખાલિસ્તાન સમર્થક શીખોએ કેનેડા પ્રતિ સતત વફાદારી દર્શાવી છે. ત્યાર બાદ તેણે ભારતીય-કેનેડિયન હિન્દુઓને ધમકાવી તેમને દેશ છોડવાનું કહ્યું.
કેનેડા સતત હસ્તક્ષેપ કરે છેઃ વિદેશ મંત્રાલય
પન્નુની ધમકીઓની વચ્ચે કેનેડા સતત ભારતની આંતરિક બાબતો પર હસ્તક્ષેપ કરતું હોવાનો વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જાયસ્વાલે આરોપ કર્યો છે. તેમણે કહ્યું કે, કેનેડાએ ભારત પર ખોટા આરોપ મૂક્યા છે.
કેનેડાએ કહ્યું છે કે ભારતે તેના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરે છે. જો કે અન્ય દેશોની લોકશાહી પ્રક્રિયામાં દરમિયાનગીરી કરવાની ભારતની નીતિ રહી નથી. કેનેડાની સરકાર જ ભારતના આંતરિક મામલામાં સતત દરમિયાનગીરી કરતી રહી છે.


comments powered by Disqus