નવી દિલ્હીઃ વિદેશમંત્રી એસ. જયશંકર બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જે દરમિયાન તેમણે લોકલ વેપારી સંગઠનો સાથે સુરત, રાજકોટ અને અમદાવાદમાં સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ હબ છે. મોટા પ્રમાણમાં આ રૂટથી કાર્ગો યુરોપ અને યુએસ મોકલાય છે. ટેક્સટાઇલ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ અને ફાર્માસ્યુટિકલ્સની નિકાસ ગુજરાતનાં પોર્ટ્સ પરથી થાય છે. હાલની પરિસ્થિતિમાં ગુજરાતના વેપારીઓ માટે શિપમેન્ટ પહોંચાડવા એક પડકાર બની ગયો છે. ઇઝરાયલ અને ગાઝામાં ચાલી રહેલી લડાઈ અને સમુદ્રી લુટારાઓના કારણે રેડ સી અને સુએઝ કેનાલથી એક્સપોર્ટ માટે માલવાહક જહાજ મોકલતા ગુજરાતી વેપારીઓ પર સંકટનાં વાદળો ઘેરાયાં છે.
શત્રુઓનો દરિયામાં એટેક
એસ. જયશંકરે જણાવ્યું કે, આ પ્રશ્ન માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, વૈશ્વિક છે. કેટલાક શત્રુઓ દરિયામાં સીધો એટેક કરી રહ્યા છે. સોમાલિયન ચાંચિયાઓને પણ આ સ્થિતિ માફક આવી રહી છે. ભારત માટે ચિંતાનો વિષય છે કે, ભારતનો પણ મોટો વેપાર રેડ-સી તરફ છે.

