અમદાવાદઃ લોકસભાની ચૂંટણી વખતે જ ટિપ્પણી કરતાં ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે મોરચો માંડ્યો છે. જો કે ચર્ચા એવી છે કે આ આખા આંદોલનના પડદા પાછળ ભાજપના જ અસંતુષ્ટો અસલી ખેલાડી છે. સમાજના નામે રાજકીય રોટલા શેકવા અસંતુષ્ટો જ રૂપાલા વિવાદને હવા આપી રહ્યા છે.
રૂપાલાની ટિપ્પણીનો વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. ચર્ચા થઈ રહી છે કે હકીકતમાં ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા કેટલાક અસંતુષ્ટ નેતાઆની મહેચ્છા છે કે, ક્ષત્રિય સમાજના નામે આખો વિવાદ વધુ વકરે. આ કારણોસર ભાજપ તરફી ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય કોર કમિટી વચ્ચે બેઠક થયા બાદ પણ આ વિવાદ શમતો નથી. વ્યક્તિગત સ્વાર્થ અને રાજકીય સોદાબાજી ખાતર આખાય વિવાદને હવા આપવામાં આવી રહી છે. એટલુ જ નહીં, રાજકીય પીઠબળ વિના રાજ્યવ્યાપી આંદોલન શક્ય જ નથી. સમાજના નામે રાજકીય રોટલા શેકવા ભાજપના જ અસંતુષ્ટ નેતાઓ પડદા પાછળના ક્ષત્રિય આંદોલનના મુખ્ય કર્તાહર્તા બન્યા છે. ખુદ ભાજપ હાઈકમાન્ડ પણ આ વાતથી અવગત છે પણ વાતનું વતેસર ન થાય તેની કાળજી લઈને આખો વિવાદ કેવી રીતે થાળે પાડવો તે અંગે રણનીતિ ગોઠવાઈ રહી છે.

