ચૂંટણી જોવા માટે 20 હજાર વિદેશીઓનું બુકિંગ

Wednesday 10th April 2024 04:57 EDT
 
 

અમદાવાદઃ ભારતમાં વિશ્વની સૌથી મોટી ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિશાળ કદના લોકતંત્રની આ ચૂંટણીનું પર્વ અજાયબી બની રહેશે, ત્યારે ચૂંટણીને ઇલેક્શન ટૂરિઝમ તરીકે નિહાળવા દેશ વિદેશથી હજારો મહેમાનો આવશે. એ માટે સરકારે પણ પ્રમોશન કર્યું હોવાથી ઉત્સાહ વધારે છે. આશરે 20 હજાર જેટલા વિદેશી નાગરિકોએ ભારત આવવા બુકિંગ કરાવી રાખ્યું છે.
આ સમય દરમિયાન વિદેશી લોકો માત્ર ફરવા માટે જ નહીં, પરંતુ ભારતમાં 80 કરોડ લોકો મતદાન કરવાના છે તે પ્રક્રિયા જોવા પણ આવશે. વડાપ્રધાને વિદેશી મહેમાનોને જી-20 અને અન્ય પ્રસંગોએ ભારતની ચૂંટણી જોવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જી-20ના મંચ ઉપરથી કહ્યું હતું કે, “હું ચૂંટણી પંચને કહીશ કે વિશ્વના દરેક દેશ ભારતમાં ચૂંટણી પ્રક્રિયા જોવા આવે તેવી વ્યવસ્થા પણ થવી જોઈએ.'
પહેલા ગુજરાતમાં અને હવે આખા દેશમાં ઇલેક્શન ટૂરિઝમને પ્રોત્સાહન અપાતાં અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્મા જણાવે છે કે, “વાસ્તવમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2012માં તેમણે પ્રવાસન ઉદ્યોગને ચૂંટણી પ્રવાસન શરૂ કરવા હાકલ કરી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિહાળવા માત્ર 215 વિદેશી મહેમાનો આવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં આ આંકડો વધીને 1800, 2019ની લોકસભા ચૂંટણીમાં 10 હજાર અને અત્યાર સુધીમાં 20 હજાર વિદેશીઓએ આ ચૂંટણીમાં આવવા માટે બુકિંગ કરાવ્યું હોવાનો અંદાજ છે.
ચૂંટણી પ્રવાસન કરતી અક્ષર ટ્રાવેલ્સ મુજબ વિદેશી મહેમાનો માટે 500 ડોલરમાં 5 દિવસ અને 1000 ડોલરમાં 7 દિવસનું પેકેજ છે. અમેરિકાથી સૌથી વધુ 3500 લોકોએ બુકિંગ કરાવ્યું છે. લંડન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, મિડલ ઈસ્ટમાંથી પણ લોકો આવશે.


comments powered by Disqus