ટેસ્લા ટીમ પ્લાન્ટ માટે જમીન પસંદગીની શોધમાંઃ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુમાં ખૂલી શકે પ્લાન્ટ

Wednesday 10th April 2024 04:58 EDT
 
 

અમદાવાદઃ અમેરિકાની મુખ્ય ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાની એક ટીમ ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવી રહી છે, જે ભારતમાં કંપનીના પ્લાન્ટ માટે જમીનની શોધ કરશે. ઉલ્લેખનીય છે કે ટેસ્લાએ હાલમાં જ પોતાના પ્લાન્ટ માટે 2થી 3 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 16,700 કરોડથી 25 હજાર કરોડના રોકાણનું એલાન કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા પ્લાન્ટ માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં જમીનની શોધ કરશે.
હાલમાં જ ભારત સરકારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા એક નવી પોલિસી તૈયાર કરી છે. જે અંતર્ગત ભારતે ઓછામાં ઓછું 500 મિલિયન ડોલરનું રોકાણ કરનારી અને લોકલ મેન્યુફેક્ચરિંગ કરનારી કંપનીઓને ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટછાટ અપાશે.
ગુજરાત સૌથી આગળ
ટેસ્લાએ ભારતમાં આશરે 25 હજાર કરોડના ખર્ચ સાથે ઇવી પ્લાન્ટ સ્થાપિત કરવાના સંકેતો આપી દીધા છે. હાલમાં એવા સંકેત મળી રહ્યા છે કે પ્રોજેક્ટ હાંસલ કરવાની સ્પર્ધામાં મહારાષ્ટ્ર અને તામિલનાડુની સરખામણીએ ગુજરાત સૌથી આગળ છે.
સૂત્રો મુજબ ગુજરાત ટેસ્લાને લઈને ખૂબ સક્રિય છે. નોંધનીય છે કે હાલમાં જ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવી એડિશનમાં રાજ્યમાં 26.33 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવ આવ્યા હતા. બીજી બાજુ તમિલનાડુ, તેલંગાણા અને મહારાષ્ટ્રની સરકારો પણ ટેસ્લાને ભારત લાવવા માટેના પ્રયાસમાં છે. ટેસ્લા ભારતમાં રોકાણ કરવાને લઇને ઉત્સુક છે.


comments powered by Disqus