તિહાર જેલમાં વીવીઆઇપી કેદીઓનો સૌથી વધારે ઉપદ્રવ

Wednesday 10th April 2024 07:08 EDT
 
 

નવી દિલ્હી: દેશની સૌથી કુખ્યાત જેલમાં સૌથી વધુ ઉપદ્રવ કોનો હોય, સ્વાભાવિક રીતે ખૂંખાર ગુનેગારોનો જ હોય. પણ જો તમે આવું માનતા હોવ તો ભૂલ કરો છો. દેશની સૌથી મોટી અને કુખ્યાત જેલમાં સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે ખૂંખાર કેદીઓનો નહીં પણ વીવીઆઇપી કેદીઓનો છે. આ શબ્દો બીજા કોઈના નહીં તિહાર જેલના જેલર રહી ચૂકેલી ભૂતપૂર્વ ડીજી નીરજકુમારના છે.
દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર નીરજકુમારે જણાવ્યું હતું કે તિહાર જેલમાં વીવીઆઇપી કેદીઓને લઈને ભારે સાવધાની રાખવી પડે છે. એક તો તે વીવીઆઇપી હોવાથી તેમની સાથે અત્યંત સન્માનપૂર્વક વર્તવુ પડે છે. તેમની સાથે બીજા કેદીઓ જેવો વ્યવહાર કરી શકાતો નથી.
બીજા બાજુએ તેમના પર સતત ચાંપતી નજર રાખવાની સાથે-સાથે સલામતી પણ જડબેસલાક રાખવી પડે છે. વીવીઆઈપી કેદી હોવાથી તેમના પર હુમલો થવાનું જોખમ જો બહારના ખુલ્લા વાતાવરણમાં તોળાતું હોય તો પછી જેલની અંદરના કેદીઓ વચ્ચે તેમને સલામત રાખવા તે રીતસરનું માથાના દુઃખાવા જેવું કામ છે. તેમની પાસેથી જેલના મેન્યુઅલનું પાલન કરાવવું અને પાછા તેમને સામાન્ય કેદીની જેમ રાખવા તે તો તેનાથી પણ વધારે દુષ્કર કામ છે. આ વીવીઆઇપી કેદીઓ તેમની પોતાની જ મનમાની કરવા ટેવાયેલા હોય છે. હવે જેલની બહાર જે લોકો નિયમો પાળતા નથી અને તેના લીધે જેલમાં આવેલા છે તેઓની પાસે જેલની અંદર ખૂંખાર કેદીઓ વચ્ચે જેલના નિયમોનું પાલન કરાવવું તે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે.


comments powered by Disqus